ગુજરાત
News of Monday, 16th September 2019

કોંગ્રેસ શાસિત વડોદરા જિલ્લા પંચાયતમાં બળવો: પ્રમુખ સામે 11 કોંગી સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત કરતા પ્રમુખે રાજીનામું આપ્યું :ખળભળાટ

બપોરે સામાન્ય સભામાં સત્તાધારી કોંગ્રેસ માટે ફરી નવા પ્રમુખને પસંદ કરવાનો પડકાર

વડોદરા : ભાજપના ગઢ વડોદરામાં કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં સતા મળી છે પરંતુ તેને સાચવી રાખવામાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબેન ભટ્ટના પતિ દિલીપ ભટ્ટના દાખલગીરીથી નારાજ 11 કોંગી સભ્યોએ બળવો કર્યો છે જોકે પાર્ટીના દબાણમાં આખરે પ્રમુખ પન્નાબેને રાજીનામું ધરી દીધુ છે. જિલ્લા પંચાયતની આજે  મળનારી સભા પહેલાં પ્રમુખ પન્નાબેને રાજીનામું ધરી દેતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રભારી રાજેન્દ્ર પટેલને રાજીનામું ધરી દીધું છે.
બીજી તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એમ.આઈ.પટેલ સહિતના 7 સભ્યોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સિદ્ધાર્થ પટેલને એક પત્ર લખીને જિલ્લા પંચાયતના પ્રમુખનું રાજીનામુંં લેવામાં આવે તેવી અરજી કરી પ્રમુખ પન્નાબેન ભટ્ટથી અસંતુષ્ટ 11 કોંગ્રેસી સભ્યોને ટેકો જાહેર કર્યો છે.

ઉપપ્રમુખ સહિત 7 સભ્યોએ પત્રમાં લખ્યું છે કે, વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના 11 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં સહીઓ કરી છે. જેના આધારે 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગે અવિશ્વાસની દરખાસ્ત અંગે સામાન્ય સભા રાખવામાં આવી છે. જો આ સભામાં વોટિંગ થાય તો ઘણા ગંભીર પ્રશ્નો ઉત્પન્ન થાય તેમ છે.

 વડોરામાં જિલ્લા પંચાયતમાં સત્તાધારી કોંગ્રેસ માટે ફરી નવા પ્રમુખને પસંદ કરવાનો પડકાર ઉભો થયો છે. હવે આગામી સમયમાં પક્ષ પ્રમુખની પસંદગીનો કળશ કોના પર ઢોળે છે તેના પર સૌની નજર રહેશે. જ્યારે આ રાજીનામા મામલે પ્રમુખ પન્નાબેનના પતિ દિલીપ ભટ્ટે જણાવ્યું હતું કે 11 સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત સામે તેમણે રાજીનામુંં આપ્યું છે

(12:44 pm IST)