ગુજરાત
News of Friday, 16th July 2021

અજીબોગરીબ કિસ્સો

મોડાસામાં શ્વાને કર્યું રકતદાન : બીજા શ્વાનનો જીવ બચાવ્યો

વેટરનરી તબીબોનું સફળ બ્લડ ટ્રાન્સફયુઝન

અરવલ્લી,તા.૧૬: જીંદગી બચાવવા માટે રકતદાન કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા આપણે સાંભળીએ છે. અરવલ્લી જિલ્લામાં એક શ્વાને લોહી આપી બીજા શ્વાનનો જીવ બચાવ્યો હોવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોડાસા શહેરના ગેબીનાથ મંદીરના એક તંદુરસ્ત શ્વાનનું લોહી લઈ કીડની અને લીવરની બીમારીથી પીડાતા બીજા શ્વાનને ચઢાવી જીવ બચાવાયોનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શામળાજી પશુ દવાખાનાના ડો.જીતેન્દ્ર ભુતડીયા, ખાનગી તબીબ નેહલ રાઠોડ અને ૧૯૬૨ કરૂણા હેલ્પલાઈનના વેટેનરી તબીબ ર્ડો.પ્રિયાંશી પટેલે બીમાર શ્વાનને લોહી ચઢાવી બચાવી લેવામાં આવ્યો છે. હાલ શ્વાનની તબિયત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે

 મોડાસા શહેરના ગેબીનાથ મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં એક શેરી શ્વાન બીમાર હોવાનો અને સારવારની તાતી જરૂરિયાત હોવાથી ડો. જીતેન્દ્ર ભુતડીયા અને ડો. નેહલ રાઠોડે કરૂણા હેલ્પલાઈન-૧૯૬૨ના સહયોગથી છેલ્લા કેટલાક સમયથી કીડની અને લીવરની ગંભીર બીમારી થી પીડાતા શ્વાનને લોહીની ઉણપ હોવાથી વેટેનરી તબીબ ટીમે શ્વાનને બ્લડ ચઢાવવાનો નિર્ણય કરી નજીકમાં આવેલા ગેબીનાથ મહાદેવ મંદિરમાં તંદુરસ્ત શ્વાન હોવાની જાણ થતા મંદીરના મહંતને જાણ કરતા મહંતે મંદીરના શ્વાનના લોહીથી અન્ય શ્વાનની જીંદગી બચતી હોવાથી તરતજ મંજૂરી આપી હતી.

 શામળાજી પશુ દવાખાનાના તબીબ જીતેન્દ્ર ભુતડીયા અન્ય એક ખાનગી તબીબ ડો. નેહલ રાઠોડ અને કરૂણા હેલ્પલાઈનના ડો.પ્રિયાંશી પટેલની મદદથી તંદુરસ્ત શ્વાનનું લોહી લઇ બીમાર શ્વાનને આપવામાં આવ્યું હતું. બીમાર શ્વાનને લોહી ચઢાવતા છેલ્લા કેટલાક દીવસથી મૃતપાય હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ શ્વાનને નવજીવન આપ્યું હતું. જીવદયા પ્રેમી અને લોકોએ જીલ્લામાં સૌપ્રથમ વાર એક શ્વાનના લોહીથી અન્ય બીમાર શ્વાનનો પ્રાણ બચાવી લેનાર ૧૯૬૨ કરૂણા હેલ્પલાઈનના વેટેનરી તબીબ પ્રિયાંશી પટેલ, ર્ડો. જીતેન્દ્ર ભૂતડીયા, નેહલ રાઠોડ અને તેમની ટીમની સરાહના કરી હતી

 મોડાસા શહેરમાં શ્વાને રકતદાન કરીને અન્ય શ્વાનનો જીવ બચાવવામાં મદદ આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માણસો માટે રકતદાનના કાર્યક્રમો યોજાતા હોય છે. અને માણસોને અનેક કારણેસર રકતની જરૂર પડતી હોય છે. પરંતુ શ્વાનને રકતની જરૂર પડી હોવાની દ્યટનાઓ ખુબ જ ઓછા સમયે સામે આવે છે. જિલ્લામાં હજી સુધી પશુઓ માટે બ્લડ બેંકની કોઈ વ્યવસ્થા નથી ત્યારે આ પ્રથમ કિસ્સાએ અનોખી પ્રેરણા પ્રદાન કરી છે.

(11:00 am IST)