ગુજરાત
News of Thursday, 16th July 2020

ગાંધીનગરથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ૭૯૦ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરતા ડે ,સીએમ નીતિનભાઈ

સુરતના પલસાણા અને બારડોલી તાલુકામાં તથા નવસારીના ચીખલી અને ગણદેવી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ : સુરત ખાતે નવા બનેલા ભવ્ય અને અદ્યતન અતિથિ ગૃહનું ઉદ્ઘાટન

અમદાવાદ : ગાંધીનગર ખાતેથી આજે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં માર્ગ-મકાન અને આરોગ્ય વિભાગ હસ્તકના રૂ.૭૯૦ કરોડના વિવિધ વિકાસ કામોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઈ-લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે જિલ્લાના વહીવટીતંત્ર અને  નાગરિકોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રાજ્યના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. દક્ષિણ ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું છે ત્યારે અહીં વાહન વ્યવહાર ઝડપથી અને સરળતાથી થઈ શકે તે માટે રસ્તાઓના વિકાસ કામોને વેગ આપી સમયસર પૂરા કરવામાં આવ્યા છે.

  પટેલે સુરત ખાતે નવા બનેલા ભવ્ય અને અદ્યતન અતિથિ ગૃહનું ઉદ્ઘાટન કરતા ત્યાં ઉપસ્થિત મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર સહિત ધારાસભ્યો અને નાગરિકોને અભિનંદન પાઠવી નવા અતિથિ ગૃહના બાંધકામની સમીક્ષા પણ કરી હતી.

 પટેલે મહુવા અનાવલ રસ્તા પરના નવા ઉમરા પુલ, વલસાડ જિલ્લામાં પાર નદી બ્રિજ, નવસારી-ગણદેવી ફોર લેન રોડ, મરોલી પાસે કસ્બા-છીણમ-દેલવાડા-માંગરોળ-ભીનાર રોડ, વાઘરેચ બ્રિજ, બીલીમોરા રેલવે ઓવરબ્રિજ, તાપી જિલ્લામાં ડોલવણ રેસ્ટ હાઉસ, ડાંગ જિલ્લાના આહવા ખાતે 'સી' કક્ષાના સરકારી આવાસ તથા સુરત, વલસાડ, તાપી, નવસારી અને ડાંગ જિલ્લાના પંચાયત વિસ્તારના વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું હતું.

 પટેલે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તલોદરા અને બારડોલી તાલુકાના સરભોણ તથા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધનોરી અને ચીખલી તાલુકાના કાંગવાઈ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા કહ્યું હતુ કે, રાજ્યના છેવાડાના નાગરિકોને કોરોનાની મહામારી સમયે પણ આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકારે હંમેશા સંવેદનશીલતા દાખવી જરૂરિયાતવાળા વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉભા કર્યા છે

  આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબંધિત જિલ્લા મથકોએ આરોગ્ય રાજ્ય મંત્રી કુમારભાઇ કાનાણી, વિધાનસભાના ઉપદંડક આર.સી. પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ સહિત ધારાસભ્યઓ, સુરતના મેયર, સ્થાનિક જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને  અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

(7:38 pm IST)