ગુજરાત
News of Thursday, 16th July 2020

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિશ્વ જનસ્થિરતા પખવાડીયા અંતર્ગત કુમરખાણ ખાતે શિબીર યોજાઇ

વધતિ જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે દરેક લક્ષીત દંપતિ કુટુંબ નિયોજન આપનાવે તે ખુબ જ જરૂર

વિરમગામ: સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૧મી જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત અમદાવાદ હસ્તકના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રા.આ.કેન્દ્ર કુમરખાણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી અંતર્ગત કુમરખાણ ખાતે શિબરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણના મેડીકલ ઓફિસર ડૉ.રાકેશ ભાવસાર, સુપરવાઇઝર વાલજીભાઇ સાપરા ઉપસ્થિત રહ્યા હતા.
  અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વ જનસ્થિરતા પખવાડિયા માટે “ આપત્તિમાં પણ કુટુંબ નિયોજન તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપુર્ણ જવાબદારી” સુત્ર આપવામાં આવ્યુ છે. હાલના સંજોગોમાં દરેક બાળકને ગુણવત્તા સભર જીવન પુરૂ પાડવા માટે નાણાંકીય તથા પારિવારિક સમયબધ્ધ આયોજન ખુબ જ જરૂરી છે. બાળકનો ઉત્તમ ઉછેર માત પિતાની કાળજી ભરી માવજત માંગી લે છે. જેથી દરેક દંપતિએ પોતાના બાળકના વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સમયબધ્ધ આયોજન કરવું ખુબ જ જરૂરી બને છે. વસ્તી નિયંત્રણએ હાલના સંજોગોમાં તાતી જરૂરીયાત છે. વધતિ જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે દરેક લક્ષીત દંપતિ કુટુંબ નિયોજન આપનાવે તે ખુબ જ જરૂર છે. કુટુંબ નિયોજન માટેની તમામ સુવીધાઓ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ છે.

(7:10 pm IST)