ગુજરાત
News of Thursday, 16th July 2020

ગાંધીનગર જિલ્લામાં આવેલ અંબાપુરની વાવની સારસંભાળ લેવા ઉડ્ડયન યુવાન ટીમે સ્વચ્છતાની કામગીરી શરૂ કરી

ગાંધીનગર:જિલ્લામાં આવેલાં ઐતિહાસિક વારસાની જાળવણી કરવામાં તંત્ર દ્વારા આળસ દાખવવામાં આવતી હોય તેમ યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થાપત્યની આસપાસ કચરો અને ગંદકી પણ ફેલાઇ રહી છે. ત્યારે અવાર નવાર સ્થાપત્યકળાના પ્રેમીઓ દ્વારા વારસાની જાળવણી થઇ શકે તે માટે યોગ્ય સાફ સફાઇ કરીને તેને સાચવવાના પ્રયત્નો કરવામાં આવે છે.  તંત્ર દ્વારા જિલ્લામાં આવેલી અડાલજની વાવની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ થોડા અંતરે દુર આવેલાં અંબાપુરની વાવની સારસંભાળ લેવામાં તંત્ર ઉણુ ઉતર્યું હોય તેમ યોગ્ય આયોજનપુર્વકની કામગીરી પણ કરી રહ્યું નથી. જેના પગલે વાવના વારસાને પણ નુકશાન થઇ રહ્યું છે. આમ અંબાપુર ખાતે આવેલી ઐતિહાસિક વાવમાં છેલ્લા ઘણા સમયથી સફાઇના અભાવે ગંદકી ફેલાઇ રહી હતી. તેની જાણ ઉડ્ડયન યુવા ટીમને થતાં તેઓએ એક કદમ સ્વચ્છતા કી ઔર સુત્રને સાર્થક કરવાની નેમ સાથે વાવની અંદર સાફ સફાઇ કરવાનો નિર્ણય કર્યો હતો. શહેરના યુવાનો ધુ્રવ પ્રજાપતિ, વિવેક પરમાર, નરેન્દ્ર પ્રજાપતિ, વિષ્ણુસિંહ ચાવડા, દેવદત્ત તબીયાર, અમીત પરમાર, મુકેશ સોલંકી, સંદિપ ડોડીયા અને અનિકેત સુમેરસાએ સફાઇ અભિયાન શરૂ કર્યું હતું. આમ સમગ્ર વાવમાંથી ૮૦ થી ૯૦ કિલો જેટલો કચરો બહાર નીકળવામાં આવ્યો હતો અને વાવને ચોખ્ખી કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા સ્વખર્ચે સાફ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

(6:30 pm IST)