ગુજરાત
News of Tuesday, 16th July 2019

આણંદ નજીક વિદ્યાનગરમાં નજીવી બાબતે બે ભાઈઓ બાખડ્યા: યુવતીએ વચ્ચે પડતા ચપ્પુથી જીવલેણ ઇજા

આણંદ:નજીક આવેલા વિદ્યાનગરના મહાદેવ એરીયામાં ગઈકાલે સવારના સુમારે ઢેખાળો વાગતાં ઠપકો આપનાર સાથે બે ભાઈઓએ ઝઘડો કરીને વચ્ચે પડનાર યુવતીને ચપ્પુ મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 


મળતી વિગતો અનુસાર ફરિયાદી ચંચળબેન રાવજીભાઈ હરિજનનો પુત્ર રાજુભાઈ ઘર આગળ ખાટલો ભરતો હતો ત્યારે નજીકમાં જ રહેતા ગોપીભાઈ દિલીપભાઈ હરિજન અને ધમાભાઈ દિલીપભાઈ હરિજન બીજા છોકરાઓ સાથે ગબી ડોકની રમત રમતા હતા જે દરમિયાન ઢેખાળો રાજુભાઈના પગમાં વાગતાં તેમણે ઠપકો કર્યો હતો. જેથી બન્ને ભાઈઓએ ઝઘડો કરીને ગમે તેવી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ચંચળબેનની ભાણી હિનાબેન વચ્ચે પડતાં ગોપીભાઈએ પોતાના હાથમાનું ચપ્પુ મારી દીધું હતુ જેથી હિનાબેન લોહીલુહાણ થઈ જવા પામતાં તેણીને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 
 

(5:50 pm IST)