ગુજરાત
News of Tuesday, 16th July 2019

કપડવંજ-મોડાસા રોડ પર આઇશર ચાલકને ઝોકું આવી જતા પોલીસની કાર સાથે અથડાતા ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

કપડવંજ:કપડવંજ-મોડાસા રોડ પર પેટ્રોલીંગમાં નીકળેલી કપડવંજ ટાઉન પોલીસે સરકારી બોલેરો ગાડી રસ્તાની સાઈડમાં ઉભી રાખી હતી. તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે આવતાં આઈશર ટેન્કરના ચાલકને અચાનક ઝોકુ આવી જતાં પોલીસની બોલેરો ગાડીને પાછળથી ટક્કર મારી નુકસાન પહોચાડ્યું હતું. પોલીસે આઈશર ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ ટાઉન પોલીસની ટીમ ગતરાત્રીના રોજ સરકારી બોલેરો ગાડી નં જીજે ૧૮ જીએ ૦૨૦૧ લઈ પેટ્રોલીંગમાં નીકળ્યાં હતા. દરમિયાન કપડવંજ-મોડાસા રોડ પર પીરના લીમડા નજીક આવેલ હર્ષ એન્ટરપ્રાઈઝ નામની દુકાન સામે રોડની બાજુમાં ત્રણ ઈમસો ઊભા હતાં. જેથી આ ઈસમોની પુછપરછ કરવા ગાડીના ડ્રાઈવર અમૃતલાલ ડુંગરભાઈએ ગાડીનું પાર્કીગ લાઈટ અને ડિજિટલ લાઈટ ચાલુ રાખી રોડની સાઈડમાં ઊભી રાખી હતી. તે વખતે માર્ગ પર પાછળથી આવતી આઈશર ટેન્કર ગાડી નં એનએલ ૦૧ એએ ૫૬૭૦ ના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પોલીસની ગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ ઈજા થઈ ન હતી. પોલીસે આઈશર ટેન્કરના ચાલક ની પુછપરછ કરતાં તેનું નામ ભંવરારામ પુનમારામ જાટ ચૌધરી (બાડમેર,રાજસ્થાન) જણાવ્યું હતું. વધુ પુછપરછ કરતાં ચાલકે અચાનક ઝોકુ આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનુ જણાવ્યું હતું. આ અકસ્માતમાં સરકારી બોલેરો ગાડીને રૂ.૨૫,૦૦૦ નું નુકસાન થયું હતું. 

(5:47 pm IST)