ગુજરાત
News of Tuesday, 16th July 2019

ઠાકોર સમાજનું ફરમાન

કુંવારી દીકરીઓ મોબાઇલ ન રાખેઃ જો રાખશે તો તેના પિતાને દોઢ લાખનો દંડ

અમદાવાદ, તા.૧૬: ઉત્તર ગુજરાતના ૧૨ ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી યુવતીઓને મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. એટલું જ નહીં, જો સમાજની કોઈ યુવતી મોબાઈલ ફોન રાખશે તો તેના પિતા પાસેથી દોઢ લાખ રુપિયા દંડ વસૂલવામાં આવશે તેવું ફરમાન પણ સમાજના આગેવાનોએ કર્યું છે. ૧૪ જુલાઈથી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જેનો ચૂસ્તપણે અમલ કરવા તાકિદ કરાઈ છે.

ટીવી રિપોર્ટ્સ અનુસાર, સમાજના આગેવાનોની મિટિંગમાં નિર્ણય લેવાયો છે કે હવેથી સમાજમાં લગ્નપ્રસંગે વરદ્યોડો પણ કાઢવો નહીં. લગ્નપ્રસંગમાં ડીજે વગાડવા તેમજ ફટાકડાં ફોડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિયમનો ભંગ કરનારા પાસેથી ૨ લાખ રુપિયા દંડ વસૂલવાનું પણ ફરમાન કરવામાં આવ્યું છે.

દાંતીવાડામાં સમાજની મળેલી પંચાયતમાં ઓઢામણા બંધ કરવા પણ નિર્ણય લેવાયો છે. સામાજીક પ્રસંગમાં ઓઢામણાને બદલે જે કંઈ આપવું હોય તેના વતી રોકડા પૈસા આપવા પણ સમાજે જણાવ્યું છે. નવા બંધારણમાં વાસણ પ્રથા બંધ કરવા અને વાસણને બદલે રોકડા પૈસા આપવા પણ કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ઠાકોર સમાજના યુવક-યુવતીઓને અન્ય સમાજમાં લગ્ન કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. સમાજના નવા નવ નિયમોમાં નિયમ નંબર ૭માં જણાવાયું છે કે જે છોકરી સમાજને નીચાજોણું કરાવશે તેની જવાબદારી તેના પરિવારની રહેશે, અને તેના માતાપિતાએ બંધારણને દંડ પેટે દોઢ લાખ રુપિયા ચૂકવવાના રહેશે. જો સમાજનો યુવક લવમેરેજ કરે તો પણ તેના માતાપિતાએ દંડ ભરવાનો રહેશે.

ઠાકોર સમાજના બંધારણ અંગે બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સાદગીભર્યા લગ્ન થાય અને લગ્નના ખર્ચા ઓછા થાય તે સમજની માગ છે. ઠાકોર સમાજમાં લાંબા સમયથી સમૂહ લગ્નો થતાં આવ્યા છે. જો તમામ દીકરા-દીકરી સમૂહ લગ્નમાં જોડાય તો પૈસાની બચત થાય, અને તે પૈસા શિક્ષણ પાછળ ખર્ચાય તો સમાજનું ભલું થાય. પ્રેમલગ્ન પર સમાજ દ્વારા ફરમાવાયેલી મનાઈ અંગે ગેનીબેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્ત્રી હોય કે પુરુષ, બધા પોતાના અંગત જીવન પ્રમાણે પસંદગી કરવા માટે સ્વતંત્ર છે.

ગેનીબેન ઠાકોરે એમ પણ કહ્યું હતું કે, જે સમાજમાં દીકરા દીકરીને સમાન ગણવામાં આવે, શિક્ષણ તેમજ કારકિર્દીની યોગ્ય સવલતો પૂરી પાડવામાં આવે, પૂરા હક્ક આપવામાં આવે તો કોઈ સમાજની દીકરીને બીજા સમાજમાં લગ્ન કરવાની જરુર ન રહે. કયાંક માતા-પિતાની મજબૂરી હોય, શિક્ષણ કે રોજગારીના પ્રશ્નો હોય ત્યારે આવું કરવાનું રહે છે, જો આ પ્રશ્નોનો અંત આવે તો આવું કોઈ બંધારણ બનાવવાની જરુર નહીં રહે. અમારા સમાજમાં મુખ્ય સમસ્યા બાળ લગ્ન છે. ઠાકોર સમાજના લોકોને ૧૨માં ધોરણ સુધી હોસ્ટેલમાં ભણાવવાની સુવિધા ઉભી થાય તો બાળ લગ્નોનો પણ અંત આવે.

(3:28 pm IST)