ગુજરાત
News of Monday, 16th July 2018

રાજ્યમાં સરેરાશ 36 ટકા વરસાદ :ગીર ગઢડામાં 13 ઇંચ ને ઉનામાં 10 ઇંચ ખાબક્યો

જૂનાગઢ -ઉના વચ્ચે મીટરગેજ ટ્રેક પર પાણી ચઢી જતા 252 મુસાફરો સાથેની ટ્રેન ફસાઈ :આજે કુલ 1955 લોકોનું સ્થળાંતર

અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશના 35.71 ટકા જેટલો વરસાદ થયો છે  સોમવારે સવારથી સાંજના 4-00 વાગ્યા સુધીમાં ગિર-ગઢડામાં 13 ઇંચથી વધુ અને ઉનામાં 10 ઇંચથી વધુ વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પરિણામે જૂનાગઢ-ઉના વચ્ચે મીટરગેજ રેલવે ટ્રેક પર એક ટ્રેન બન્ને તરફ પાણી ચઢી આવવાથી ફસાઇ ગઇ હતી. આ ટ્રેનમાં 252 જેટલા મુસાફરો સવાર હતા. સ્થાનિક વહીવટી તંત્રએ તુરંત જ રાહત-બચાવ કામગીરી હાથ ધરીને એન.ડી.આર.એફ.ને જાણ કરી હતી. એન.ડી.આર.એફ.ની ટૂકડીએ તુરંત જ ૨૫૨ જેટલા મુસાફરોને ટ્રેનમાંથી સહી સલામત બહાર લાવીને સ્થાનિક-વાહનોની મદદથી સલામત સ્થળે ખસેડ્યા હતા.

  ઉના વિસ્તારના કનેરી, કણાકીયા અને સનવાવ ગામોમાં પણ ચોમેર પાણી ભરાતાં આ ગામોમાં લોકો બચવા માટે સલામત સ્થળોએ ચઢી ગયા હતા. સ્થાનિક વહીવટી તંત્રએ તુરંત જ આ ગામોમાં સંપર્ક પ્રસ્થાપિત કરીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. 

  જાફરાબાદ પાસેના સોખડા ગામમાં પણ ૩૦ જેટલા લોકો પાણીમાં ફસાયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સહુને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે દિવસ દરમિયાન ૧૯૫૫ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. 

(1:13 am IST)