ગુજરાત
News of Monday, 16th July 2018

સુરતમાં અગમ્ય કારણોસર ભાઈ,પત્ની અને સંતાન ગૂમ થઇ જતા યુવકે ફાસો ખાધો

સુરત:સચીનમાં ૨૦ દિવસ અગાઉ પત્ની, તેમના ૨ સંતાન અને નાનોભાઇ ગૂમ થઇ ગયા બાદ ટેન્શનમાં રહેતા યુવાને ગતરોજ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
સચીન જી.આઇ.ડી.સી.માં લક્ષ્મીવિલા ટાઉનશીપમાં રહેતા ૩૬ વર્ષીય વિક્રમ ઉર્ફે બન્ટી લાલબાબુ યાદવે ગત બપોરથી મોડી સાંજ દરમિયાન ઘરમાં બેડરૃમના પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું કે, વિક્રમની પત્ની પ્રિયંકા વિક્રમ યાદવ, તેમની પુત્રી ત્રીસ્તા  (ઉ.વ. ૯), પુત્ર ક્રિષ્ના (ઉ.વ. ૮) અને તેનો નાનો ભાઇ વિકાસ ગઇ તા. ૨૫-૬-૨૦૧૮ના રોજ સાંજના સમયે ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા. તેઓ ગૂમ થતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પણ તેઓની ભાળ નહીં મળતા વિક્રમે નાસીપાસ થઇને આ પગલું ભર્યું હતું.

વિકાસ આસામમાં ૫ થી ૭ માસથી નોકરી કરે છે. તે બે ભાઇ, માતા અને પત્ની અને ૨ સંતાન સાથે રહેતો હતો. અઠવાડિયા અગાઉ વિક્રમને જાણ થઇ કે, નાનો ભાઇ, તેની પત્ની સંતાન સાથે ગૂમ થઇ ગયો છે એટલે તે આસામથી સુરત આવીને તેઓની શોધખોળ આદરી હતી. પણ તેની ભાળ મળી નહીં. આ અંગે સચીન જી.આઇ.ડી.સી. પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)