ગુજરાત
News of Monday, 16th July 2018

બોરસદના વડેલીમાં મધરાત્રે તસ્કરોએ 2.08 લાખની મતાની ઉઠાંતરી કરી

બોરસદ: તાલુકાના વડેલી ગામે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને તેમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા મળીને કુલ ૨.૦૮ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વડેલી ગામે મહેન્દ્રસિંહ રામસિંહ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ તેમજ અનાજ કરિયાણાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. તેમના બે મકાનો છે જેમાં એકમાં સપ્લાયરના વાસણો તથા કીમતી વસ્તુઓ રહે છે જ્યારે બાજુના ઘરમાં રહે છે. ગઈકાલે મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનનો નકુચો તોડીને અંદર ઘુસી પ્રથમ રૂમમાં મૂકેલી બે લોખંડની તિજોરીઓ તોડી નાંખી હતી. 
તેમાંથી બધો સામાન વેરવિખેર કરી નાંખીને અંદરથી સોનાનો હાર, બુટ્ટી, ચાંદીના છડા, સોનાની જડ, ચાંદીનો કેડ જુડો, બે સોનાની વીંટી, એક સોનાની ચેઈન, સોનાના પાટલા, ચાંદીના ઝાંઝર વગેરે મળીને કુલ ૮૭ હજારના દાગીના તેમજ દુકાનના વકરાના, વાસણ સપ્લાયરના તેમજ દૂધના બોનસના આવેલા રોકડા ૧.૧૮ લાખ મળીને કુલ ૨.૦૮ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વહેલી સવારના છ વાગ્યાના સુમારે મહેન્દ્રસિંહના પત્ની જાગતા જ બાજુના મકાનનુ ંતાળુ તૂટેલું જોયું હતુ જેથી મહેન્દ્રસિંહને ઉઠાડીને તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. આ અંગે ભાદરણ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને ડોગ સ્ક્વોડ તથા ફીંગર પ્રીન્ટ નિષ્ણાતની મદદથી તપાસ હાથ ઘરી છે.

(5:49 pm IST)