ગુજરાત
News of Wednesday, 16th June 2021

સ્વતંત્ર ગ્રામ પંચાયત મેળવવા નર્મદા જિલ્લા આમું સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

અગાઉ આ મુદ્દે ચાર વખત આવેદનપત્રો આપ્યા છે છતાં તંત્ર અને સરકાર દ્વારા ગમે તે રીતે ખોટા બહાના ધરી દઈ ભારતના બંધારણનું અપમાન કરાયું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જીલ્લા સેવાસદન ખાતે આજરોજ નર્મદા જિલ્લા આમુ સંઘટનના પ્રમુખ મહેશભાઈ એસ વસાવાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  આવેદનમાં જણાવ્યા મુજબ ભારતના બંધારણ અને પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાયો મુજબ ગ્રામ પંચાયતથી વંચિત ગામડાઓને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવા અમો વર્ષોથી માંગણી કરી રહ્યા છે. અનેકવાર આપને તથા ગુજરાત રાજ્ય સરકાર ના પદાધીકારીઓ તથા અધિકારીઓને સંબોધીને ભારતના બંધારણ મુજબની જોગવાયો મુજબ માંગણીઓ લેખીત માં કરી છે છતાં ખોટા ખોટા બહાનાઓ જણાવી અમારી માગણીને અનેકવાર ઠુકરાવામાં આવી છે.

  આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે અગાઉ આ મુદ્દે ચાર વખત આવેદનપત્રો આપી ચુક્યા છે છતાં તંત્ર અને સરકાર દ્વારા ગમે તે રીતે ખોટા બહાના ધરી દઈ અમારી માંગણી નહિ સ્વીકારી ભારતના બંધારણ અને દેશના નાગરીકો નું અપમાન કરાયું છે, અમારું માનવુ છે કે ગેરકાયદેસર પધ્ધતિથી બનાવેલી ગૃપ ગ્રામ પંચાયતોના કારણે વિકાસ રૂંધાતા નર્મદા અને દાહોદ જીલ્લો પછાત બની ગયો છે આવા સંજોગોમાં દરેક ગામને પોતાનું અલગ વહીવટી તંત્ર(સ્વતંત્ર ગ્રામ પંચાયત) ફાળવી દેવામાં આવે તો ઝડપી વિકાસ થઈ શકે અને વિકસિત જીલ્લો બને તેવી અમારી અપેક્ષા છે.

 આવનાર સમયમાં તારીખ ૨૭/૦૬/૨૦૨૧ સુધીમાં અમારી બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ન છુટકે ગુજરાત રાજ્ય સરકારની ભુલના કારણે અમારે આંદોલન કરવું પડશે.

(11:54 pm IST)