ગુજરાત
News of Wednesday, 16th June 2021

ધો.10નું પરિણામ 24મી જૂને જાહેર થવાની શકયતા : જુલાઈમાં માર્કશીટ મળવા સંભવ

માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.

અમદાવાદ : ધોરણ-10માં માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. એવામાં આગામી 25મી જૂનના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે. આ પરિણામ ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે તૈયાર કરવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલ્યાંકન ધો.9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ અપાશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરી દેવામાં આવી છે, જેના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન અપાઈ છે. પરીક્ષા સચિવે જણાવ્યું હતું કે ધોરણ 10ના પરીક્ષાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માર્ક્સ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના માર્ક્સ તેમજ શાળા કક્ષા વિષયના માર્ક્સ બોર્ડની વેબસાઇટ gseb.org અને sscmarks.gseb.org પરથી ઓનલાઇન 8 જૂન 2021ના રોજ સવારે 11 વાગ્યાથી17 જૂન સાંજે 5 કલાક સુધીમાં ભરવાના રહશે. પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન માર્ક્સ માટે સ્કૂલના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન કરી શકાશે.મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્કની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે. મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડોમાં કોઈ એક માપદંડમાં કે એખ કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય માર્ક દર્શવવાના રહેશે.

(2:15 pm IST)