ગુજરાત
News of Wednesday, 16th June 2021

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય બનવા માટે આચાર્ય અભિરૂચી કસોટીનો કાર્યક્રમ જાહેર

૨૩ જુનથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ : ૭ જુલાઇથી આવેદનપત્રોનું વેરીફીકેશન : બહુવિકલ્પ અને હેતુલક્ષી પ્રશ્નો ૧૦૦-૧૦૦ ગુણના રહેશે

ગાંધીનગર તા. ૧૬ : રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય બનવા માટેની અભિરૂચી કસોટી (HMAT)નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે પરીક્ષા માટે ૨૩ જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા માટેનું સત્તાવાર જાહેરનામુ પ્રસિદ્ઘ કર્યું છે. જો કે પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ૧૭ જુલાઈ સુધીમાં તમામ કામગીરી પુર્ણ થયા બાદ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા બે વિભાગમાં હશે અને દરેક પ્રશ્નના જવાબો લખવા ફરજિયાત રહેશે.

રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નિમણૂંક માટે આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) પરીક્ષા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા નક્કી કરેલા કેન્દ્રો પર જિલ્લા શિક્ષણાધિકારી મારફતે લેવામાં આવશે.

HMATની પરીક્ષા માટે ઉમેદવારો ૨૩ જૂનથી ૩ જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. જે બાદ ૨૩ જૂનથી ૪ જુલાઈ સુધી નેટ બેંકીંગ મારફતે ફી સ્વીકારવામાં આવશે. ૭ જુલાઈથી ૧૫ જુલાઈ દરમિયાન ઉમેદવારોના ભરાયેલા આવેદનપત્રોમાં રજૂ થયેલી લાયકાત અને અનુભવની વિગતોનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વેરીફીકેશન કરી આવેદનપત્ર એપ્રુવ કરવામાં આવશે.

૧૬ જુલાઈથી ૧૭ જુલાઈ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એપ્રુવ કરવામાં આવેલા આવેદનપત્રો બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે. બોર્ડ દ્વારા હાલમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. જો કે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા પરીક્ષા અને પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

પરીક્ષા માટે કોઈ વ્યકિત નોંધાયેલી માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બીએડ અથવા સ્નાતક સાથે એમ.એડ. અથવા રાજય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને શાળામાં નિયમાનુસાર નિમણુંક મેળવ્યા બાદ સાત વર્ષનો અનુભવ ધરાવતી હોય તે પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.

HMATની પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપની ઓએમઆર આધારીત રહેશે. કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગમાં ૧માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨માં ૧૦૦ પ્રશ્નો રહેશે. પેપર ૧૮૦ મિનીટનું રહેશે. આ કસોટીના બંને વિભાગના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. દરેક પ્રશ્નો એક ગુણ રહેશે, દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પરીક્ષાના મુલ્યાંકનમાં કોઈ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહીં.

પરીક્ષા આપવા માટે એસસી., એસટી, એસઈબીસી અને પીએચડી કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ. ૨૫૦ રહેશે. જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂ. .૩૫૦ ભરવાની રહેશે. જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારો ૫ જુલાઈથી ૬ જુલાઈ દરમિયાન રૂ. ૨૦૦ લેઈટ ફી સાથે બોર્ડ ખાતે રૂબરૂ ભરી શકાશે.

(1:06 pm IST)