ગુજરાત
News of Sunday, 16th June 2019

પાકિસ્તાન સામે મેચને લઈ અમદાવાદમાં પણ રોમાંચ

રવિવાર હોવાથી લોકો મોટા ભાગે ટીવી ઉપર રહ્યા : ભારતે પાકિસ્તાનની સામે જોરદાર બેટિંગ કરતા ચાહકો ભારે ખુશખુશાલ : રોહિત, કોહલી અને રાહુલ છવાયા

અમદાવાદ,તા. ૧૬ :આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન આજે મેચ રમાઈ હતી. જેથી અમદાવાદ શહેરમાં પણ ભારે રોમાંચની સ્થિતિ રહી હતી. એકબાજુ વરસાદી માહોલ અને બીજી બાજુ રવિવાર હોવાથી સુપર સન્ડેની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને આ મેચને જોવા માટે મેચની શરૂઆત પહેલા જ અમદાવાદ શહેરમાં ચાહકો ટીવી ઉપર ગોઠવાઈ ગયા હતા. મેચને લઈને ઘણી જગ્યાએ મોટા સ્કિન પણ મુકવામાં આવ્યા હતા. જેમાં શાહિબાગ ખાતેનો પણ સમાવેશ થાય છે. શોપિંગ મોલ ઉપર મોટા સ્ક્રિન પર ચાહકોએ મેચની મજા માણી હતી. ટોસ ગુમાવી દીધા બાદ ભારતીય બેટસમેનોએ જોરદાર બેટિંગ કરી હતી. જેમાં ખાસ કરીને રોહિત શર્મા પાકિસ્તાનના તમામ બોલરોને મેદાનની ચારે બાજુ ફટકાર્યા હતા. રોહિત શર્મા શાનદાર સદી ફટકારી હતી. વરસાદ વિલંબ બને ત્યા સુધી ભારતે આંકડો ૩૦૦થી પણ ઉપર પહોંચાડ્યો હતો. રોહિત ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી પણ અસલ રંગમાં દેખાયો હતો. હાર્દિક પંડ્યાએ પણ ઓછા બોલમાં ચોગાની રમઝટ બોલાવી હતી પરંતુ તે લાંબા સમય સુધી ટક્યો ન હતો. મેચને લઈને ચાહકો ઉત્સાહિત રહ્યા હતા. રવિવારનો દિવસ હોવાથી ચાહકો વધારે રોમાંચિત દેખાયા હતા અને ટીવી ઉપર જામેલા રહ્યા હતા. એક એક વિકેટ અને ભારતના એક એક રનની રોમાંચકતાપૂર્વક નોંધ લેવામાં આવી હતી. લાંબા સમયથી ક્રિકેટ ચાહકો મેચને લઈને રાહ જોઈ રહ્યા હતા અને ધારણા પ્રમાણે જ મેચ રમાઈ હતી. ભારતીય બેટસમેનો શરૂઆતથી જ આક્રમક મુડમાં નજરે પડ્યા હતા. પાકિસ્તાની બોલરો અને ખાસ કરીને ઝડપી બોલરોને વિરાટ કોહલી અને રોહિત શર્માએ ખુબ સરળતાથી ફટકાર્યા હતા. ભારતનો સિલસીલો ખુબ શાનદાર રહ્યો છે.

(8:08 pm IST)