વલસાડમાં બુટલેગરો બેફામ : બાતમી આપ્યાની શંકાએ બે યુવકોના માથામાં દારૂની બાટલી ફોડી
નાનકવાડા ગામમાં સાત બાઈક પર આવેલા 12 જેટલા માથાભારે તત્વો તૂટી પડ્યા
વલસાડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરનારાઓની દાદાગીરીનો કિસ્સો બહાર આવ્યો છે આ બુટલેગરોએ નાનકવાડાના બે યુવાનોને બાતમી આપી હોવાના વહેમમાં ઢોર માર માર્યો હતો.બીજી તરફ પોલીસે માર ખાનારને પોતાની હદમાં ગુનો બન્યો ન હોવાનું કહી બે દિવસ રખડાવ્યો હતો
મળતી વિગત મુજબ વલસાડના નાનકવાડામાં રહેતા સંદિપ પટેલ અને હાર્દીક પટેલ બે દિવસ અગાઉ રાત્રી દરમિયાન કૈલાસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ફિલ્મી સ્ટાઇલે ૭ બાઇક પર આવેલા ૧૨ જેટલા માથાભારે તત્વોએ તેમને ઘેરી લીધા હતા. જેમાં સુનિલ ઉર્ફે ચોગી, મનિષ ઉર્ફે ગોટીયો, નિકુંજ ઉર્ફે કાળિયો, કટલો તેમજ ટકલો સહિતના કેટલાક યુવાનોએ તેમની બાઇક આંતરી ઢોર મારમારી હાર્દિકના માથામાં દારૂની બાટલી ફોડી હતી.જેના પગલે હાર્દિક લોહી લુહાણ થઇ જતાં તેને સરવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. આ ઘટના સંદર્ભે સંદિપની પોલીસ ફરિયાદ કરવા માટે બે દિવસ સુધી રઝળ્યો હતો. આ બનાવ સિટી પોલીસ મથકની હદમાં બન્યો કે રૂરલ પોલીસની હદમાં બન્યો તેની જાણકારી મેળવવા બંને પોલીસને બે દિવસ લાગ્યા હતા.
ત્યારબાદ પોલીસે ગુરૂવારે મોડી સાંજે ૧૨ માથાભારે તત્વો સામે ગુનો દાખલ કર્યો હતો