ગુજરાત
News of Monday, 16th May 2022

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 13 ઉમેદવારોના નામ જાહેર:અસંતુષ્ટ નેતાનું પણ નામ લિસ્ટમાં સામેલ

ગુલામ નબી આઝાદને પણ રાજ્યસભમાં મોકલવાની કોંગ્રેસે તૈયારી બતાવી

નવી દિલ્હી : રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને મતદાન થવાનું છે. આ સાથે જ સાંસદોના રાજીનામાને કારણે તેલંગાણાની એક સીટ પર 30 મેના રોજ પેટાચૂંટણી અને 13 જૂને ઓડિશાની એક રાજ્યસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. આ રીતે કુલ જોવામાં આવે તો આગામી દિવસોમાં 15 રાજ્યોમાં રાજ્યસભાની 59 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે આ બેઠકો માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે 13 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસના નેતૃત્વ અને કામગીરી પર સતત પ્રશ્નો ઉભા કરી રહેલા ગુલામ નબી આઝાદને પણ રાજ્યસભમાં મોકલવાની કોંગ્રેસે તૈયારી બતાવી છે. ત્યારે જોવાનું રહેશે કે રાજ્યસભામાં પહોંચ્યા પછી ગુલામ નબી આઝાદની નારાજગી દૂર થાય છે કે નહીં.

  કોંગ્રેસના ઉમેદવારોમાં ગુલાબ નબી આઝાદ,આનંદ શર્મા,મુકુલ વાસનિક,જયરામ રમેશ,અવિનાશ પાંડે,ભંવર જિતેન્દ્ર સિંહ,કુમારી સેલજા,અજય માકન,રણદીપ સિંહ સુરજેવાલા, ગૌરવ વલ્લભ,પવન ખેડા,કે રાજુ, અને પ્રવીણ ચક્રવર્તીનું નામ યાદીમાં છે 

આ 59 બેઠકોમાંથી હાલમાં ભાજપ પાસે 25 બેઠકો છે. બીજી તરફ તેના સાથી પક્ષોની વાત કરીએ તો ગત વખતે JDUના ખાતામાં 2 અને AIADMKના ખાતામાં 3 સીટો આવી હતી. જ્યારે જો એક અપક્ષ સાંસદ (એમપી) ઉમેરવામાં આવે, તો હાલમાં આ 59 બેઠકોમાંથી 31 બેઠકો એનડીએ પાસે છે.

આ ચૂંટણીમાં આ 31 સીટો બચાવવી એનડીએ માટે મોટો પડકાર છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ગણિત કહી રહ્યું છે કે આ વખતે NDAને 7થી 9 બેઠકોનું નુકસાન વેઠવું પડી શકે છે. બીજી બાજુ યુપીએની વાત કરીએ તો તેની કુલ સંખ્યા 13 પર પહોંચે છે, જેમાં કોંગ્રેસના 8, ડીએમકેના 3, શિવસેના અને એનસીપીના એક-એક સાંસદનો સમાવેશ થાય છે. આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં યુપીએને 2 થી 4 બેઠકોનો ફાયદો થતો જણાય છે

(11:15 pm IST)