ગુજરાત
News of Monday, 16th May 2022

વેકેશનમાં ટ્રેનોમાં ટીકીટની રામાયણઃ લોકો પ્‍લેટફોર્મ ટીકીટ પર મુસાફરી કરવા મજબૂર

દરરોજ સરેરાશ ૬ થી ૭ હજાર મુસાફરો પ્‍લેટફોર્મ ટીકીટ પર કરે છે મુસાફરી

અમદાવાદ તા. ૧૬: કોરોના મહામારી પછી ટ્રેનોમાં જનરલ કોચ નથી લગાવાતા એટલે યુપી, બિહાર જવાવાળા એવા કેટલાય મુસાફરો છે જેમને પોતાના ગામ જવું છે પણ ના તો તેમને રીઝર્વેશન ટીકીટ મળે છે ના વેઇટીંગ ટીકીટ, એટલે તેઓ પ્‍લેટફોર્મ ટીકીટ લઇને ટ્રેનોમાં ચડી જાય છે અને ટીકીટ વગર મુસાફરી કરવાનું જોખમ લે છે. ટ્રેનમાં આવા મુસાફરને ટીકીટ વગરના ગણીને ટીસી પેનલ્‍ટી વસૂલ કરીને ટીકીટ આપે છે, તેઓ રીઝર્વેશનવાળા કોચમાં ઘૂસી જાય છે અને નીચે બેસીને મુસાફરી કરે છે.

આ રામાયણ એટલે થાય છે કેમકે કોરોના મહામારી પછી ટ્રેનોનું સંચાલન તો ધીમે ધીમે પાટે ચડી રહ્યુ઼ં છે પણ પહેલાની જેમ ટ્રેનમાં જનરલ કોચ નથી લગાવાતા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી માટે જનરલ ટીકીટ પણ નથી અપાતી. જો કે થોડીક ટ્રેનોમાં આ સુવિધા શરૂ થઇ છે. પણ મોટા ભાગની ટ્રેનોમાં આ સુવિધા નથી એટલે ઉનાળુ વેકેશનમાં અથવા અચાનક જે લોકોને પોતાના ગામ જયું હોય તેમણે મજબૂરીમાં આ પગલું લેવું પડે છે.

રવિવારે અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશન પર અમદાવાદ-ગોરખપુર ટ્રેનમાં પ્‍લેટફોર્મ ટીકીટ પર અથવા ટીકીટ વગર ૩૦૦ થી વધારે મુસાફરો ઘૂસી ગયા જેમને ટીકીટ ચેકરોએ પેનલ્‍ટી લઇને ટીકીટ બનાવી દીધી. એક ટીસીએ જણાવ્‍યું કે જનરલ ટીકીટના મળવાથી જરૂરીયાતમંદ મુસાફરો પ્‍લેટફોર્મ ટીકીટ લઇને ટ્રેનમાં ઘૂસી જાય છે અને પેનલ્‍ટી ચુકવીને ટીકીટ બનાવડાવે છે.

અમદાવાદ ઝોનના સીનીયર જનસંપર્ક અધિકારી જીતેન્‍દ્રએ જણાવ્‍યું કે જે રૂટ પર મુસાફરોની ભીડ વધારે છે અથવા માંગ છે ત્‍યાં એકસ્‍ટ્રા ટ્રેનો ચલાવાય છે. ટ્રેનોમાં વધારાના કોચ પણ લગાવાયા છે. ખાસ કરીને કાનપુર, પટણા, ગોરખપુર સહિત ઉત્તર ભારત અને બિહાર માટે આઠથી દસ ટ્રેનો ચલાવાઇ રહી છે. જરૂર પડયે હજુ વધુ ટ્રેનો પણ ચલાવાશે.

(4:56 pm IST)