ગુજરાત
News of Sunday, 16th May 2021

ધમડાચી ખાતે લોકભાગીદારીથી બનાવાયેલા કોવિડ-૧૯ આઇસોલેશન સેન્‍ટરનું લોકાર્પણ

વલસાડ: વલસાડ તાલુકાના ધમડાચી ગ્રામ પંચાયત અને વૈષ્‍ણોદેવી યુવા સેવાભાવી મંડળ દ્વારા લોકભાગીદારીથી બનાવાયેલ કોવિડ-૧૯ આઇસોલેશન સેન્‍ટરનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
   આ અવસરે મંત્રીએ જણાવ્‍યું હતું કે, આ પૃથ્‍વી ઉપર આપણે પ્રવાસી રૂપે આવ્‍યા છે ત્‍યારે પરોપકારી જીવન જીવશું તો જ આપણું જીવન સાર્થક થશે. માનવ સેવા એ જ પ્રભુસેવા માની કોરોનાના દર્દીઓની સેવા માટે ધમડાચી ખાતે આઇસોલેશન સેન્‍ટર શરૂ કરવા બદલ ગ્રામ પંચાયત અને દાતાઓને અભિનંદન પાઠવ્‍યા હતા. કોરોના મહામારીમાંથી દેશને બહાર લાવવા પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઇ મોદી સતત કાર્યરત છે, તેની સાથે સમગ્ર ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ અટકાવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે. જેમાં અનેક સેવાભાવી સંસ્‍થાઓ મદદ માટે આગળ આવી છે, જે સરાહનીય છે. અહીં સારવાર માટે આવનારા દરેક દર્દીઓ સ્‍વસ્‍થ અને સારા થઈને ઘરે જાય તેવી અભિલાષા મંત્રીએ વ્‍યક્‍ત કરી હતી.
પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આ સેન્‍ટર તૈયાર કરવામાં અનેક વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓ તેમજ ઔદ્યોગિક એકમોનો સહયોગ પ્રાપ્‍ત થયો છે, જેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. માનવ સેવા ઉત્‍થાન સમિતિ વલસાડ તેમજ અન્‍ય દાતાઓ દ્વારા દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે ભોજન વ્‍યવસ્‍થા કરાશે.આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ રંજનબેન પટેલ, સરપંચ રણછોડભાઇ આહીર, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ દેવાંશીબેન, સ્‍વામીજી ટીકાનંદ, માનવઉત્‍થાન સેવા સમિતિના નિવૃત્તાનંદ, મહેશભાઈ ભટ્ટ, સાગરભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, વૈષ્‍ણવી યુવા સેવાભાવી મંડળ પ્રમુખ ભવિનભાઈ પટેલ, કમલેશભાઇ પટેલ, જીતેશભાઇ પટેલ, દાતાઓ સહિત ગામ અગ્રણીઓ હાજર રહયા હતા.

(8:35 pm IST)