ગુજરાત
News of Sunday, 16th May 2021

ગુજરાત કોંગ્રેસે એક સફળ રાજકીય રણનીતિકાર ગુમાવ્યા : રાજીવ સાતવના નિધન પર સી,આર,પાટીલે શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યકત કર્યું

ગાંધીનગર: કોંગ્રેસ પક્ષના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોના મહામારીના કારણે દુઃખદ અવસાન થયું છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું છે. હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે શોક વ્યક્ત કર્યો છે.

   ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે  સદ્દગતના પરિજનોને સાંત્વના પાઠવતા જણાવ્યું કે, સાતવજીના  પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિજનો ઉપર આવી પડેલ આકસ્મિક દુઃખ સહન કરવાની શક્તિ અર્પે

વધુમાં જણાવ્યું કે, પરિવારની સાથોસાથ સમગ્ર ગુજરાત કોંગ્રેસે એક સફળ રાજકીય રણનીતિકાર ગુમાવ્યો છે. સ્વર્ગસ્થ રાજીવ સાતવ (Rajeev Satav) સ્વભાવે એકદમ સરળ હતા અને ક્યારેય પણ કોઈને પણ દુઃખ ન લાગે તે રીતે કોંગ્રેસ પક્ષના આંતરિક વિખવાદને શાંત કરી લેવાની કુનેહ ધરાવતા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ પણ કોંગ્રેસ નેતા રાજીવ સાતવના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, જાહેર જીવનમાં સતત કાર્યરત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન ખૂબજ દુ:ખદ છે.

(6:49 pm IST)