ગુજરાત
News of Sunday, 16th May 2021

તૌકતે ' વાવાઝોડાના સંકટથી કેરી, તલ, અડદ, મગ, મગફળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ

જો વરસાદ આવશે તો આ પાકોને વ્યાપક નુકસાન થશે અને પાક સંપૂર્ણ નિષ્ફળ જશે તેવી સંભાવના

અમદાવાદ : એકતરફ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, બીજી તરફ અત્યારે ગુજરાત માથે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 18 મેના દિવસે તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે અથડાશે. આ સિવાય આ વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે અત્યારે તંત્ર એલર્ટ પર છે અને આ સંકટ સામે લડવાની તૈયારી કરી રહ્યું છે.

  બીજા તરફ રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતિત બન્યા છે.અત્યારે ખેતરોમાં ઉનાળું પાક ઉભો છે. ખેડૂતોએ તલ, અડદ, મગ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યુ છે. આ પાક પણ અત્યારે ફાલ પર આવી ગયા છે. તેવામાં જો વરસાદ આવશે તો આ પાકોને વ્યાપક નુકસાન થશે અને આ પાક સંપૂર્ણ નિષ્ફળ જશે તેવી સંભાવના રહેલી છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે વાવાઝોડા ડરના પગલે ખેડૂતોએ પાકની લણણી કરવાની શરુઆત કરી દીધી છે.

તો આ તરફ હજું કેરીનો પાક પણ ઉભો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચારથી પાંચ વખત માવઠું આવી ગયું છે, જમાં કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે હજુ જે થોડી ઘણી કેરીઓ બચી છે તેના પર હવે વરસાદનું સંકટ તોળાઇ રહ્યું છે. જેથી કેરીના પાકની પણ ખેડૂતોએ લણણી શરુ કરી દીધી છે.

(9:03 pm IST)