ગુજરાત
News of Sunday, 16th May 2021

મ્યુકોરમાઈકોસિસના દર્દી વધતા નવો વોર્ડ ઊભો કરાયો

આસપાસના શહેરોના દર્દીઓ વડોદરામાં આવ્યા : સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના કુલ ૧૦૭ દર્દી હાલ સારવાર હેઠળ છે જેમાં વધુ ૩ દર્દીનાં મોત થયા છે

વડોદરા,તા.૧૫ : વડોદરામાં મ્યુકોરમાઈકોસીસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ ૧૨ દર્દીઓ દાખલ થયા છે. ત્યારે આ સાથે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના કુલ ૧૦૭ દર્દી હાલ સારવાર હેઠળ છે. જેમા વધુ ૩ દર્દીના મોત થયા છે. સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ માટે વધુ એક નવો વોર્ડ શરૂ કરાયો છે, હાલનો વોર્ડ દર્દીઓથી ફૂલ થઈ ગયો છે. વડોદરા શહેર મધ્ય ગુજરાતનુ સેન્ટર છે. તેથી અહી આસપાસના ગામડા અને નાના શહેરોમાંથી અસંખ્ય દર્દીઓ આવતા હોય છે.

        ત્યારે હવે વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. સયાજી હોસ્પિટલ ૧૦૭ દર્દીઓ, ગોત્રી હોસ્પિટલમાં ૨૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમજ વધુ દર્દીઓ આવતા હોવાથી તંત્રને નવો વોર્ડ ઉભો કરવો પડ્યો છે. વડોદરા જિલ્લા સિવાય સૌરાષ્ટ્ર-ભાવનગર, બોટાદના દર્દીઓ પણ સારવાર માટે વડોદરામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ, અધિકારી ડો.વિનોદ રાવે કહ્યુ કે, કોરોનાના ત્રીજા વેવમાં મેન પાવર, ફેસિલિટી, નોન મેડિકલ સાધનો પૂરતા મળી રહે અને ઓક્સિજનનો જથ્થો મળતો રહે તેનું આયોજન મોટો પડકાર બની રહેશે. જોકે, વેક્સિનેશન પર ત્રીજી વેવનો આધાર છે અને તેના કારણે જોખમ પણ ઓછું હશે. કોઈ પણ પિકને નિવારી ના શકાય પણ તેનું એગ્રેશન ઓછું થઈ શકે. બીજું, દુનિયામાં શુ થઈ રહ્યું છે તેના પર પણ સતત નજર રાખવાની છે.

(8:38 pm IST)