ગુજરાત
News of Thursday, 16th May 2019

તોફાની પવનની સાથે ઘણા ભાગમાં વરસાદની શક્યતા

બનાસકાંઠા અને કચ્છમાં વરસાદની સંભાવના : અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦થીય નીચે : રાજ્યના અન્ય ભાગોમાં પણ પારો ગગડ્યો છતાં પણ બપોરે ગરમી

અમદાવાદ,તા.૧૬ : દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પરિણામ સ્વરુપે હવામાનમાં ફરી એકવાર ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ અકબંધ રાખવામાં આવી છે. બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કેટલીક જગ્યાઓએ ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આંશિક વાદળછાયુ વાતાવરણની સ્થિતિ વચ્ચે તાપમાનમાં ફરીવાર ઘટાડો થયો છે. આજે રાજ્યમાં સૌથી વધારે ગરમી ગાંધીનગરમાં નોંધાઈ હતી જ્યાં પારો ૪૧ સુધી પહોંચ્યો હતો જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૯ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો આજે ૪૦થી નીચે રહ્યો હતો. જો ક, બપોરના ગાળામાં અમદાવાદમાં લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, આજે અમદાવાદ મહત્તમ તાપમાન ૩૯.૯ ડિગ્રી રહ્યું હોવા છતાં બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.  હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. હાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક અન્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ થયો હતો. હવામાનમાં એકાએક પલટો આવતા ધુળ ભરેલ આંધી પણ ચાલ હતી. જોકે, હવે ગુજરાતમાં કેટલાક ભાગોમાં પારો ફરી વધી ગયો હતો. સુરેન્દ્રનગરમાં આજે પારો ૪૦ રહ્યો હતો. ગાંધીનગરમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો. અહીં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્ર રહ્યું હતું. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર રહેશે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાતમાં ક્યાં કેટલું મહત્તમ તાપમાનમાં નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૩૯.૯

ડિસા............................................................ ૩૮.૨

ગાંધીનગર...................................................... ૪૧

વડોદરા....................................................... ૩૮.૮

સુરત........................................................... ૩૪.૮

અમરેલી............................................................. -

ભાવનગર.................................................... ૩૬.૫

રાજકોટ....................................................... ૩૯.૮

વલસાડ....................................................... ૩૩.૪

સુરેન્દ્રનગર...................................................... ૪૦

પોરબંદર..................................................... ૩૨.૨

કંડલા એરપોર્ટ............................................. ૩૭.૫

ભુજ............................................................. ૩૬.૪

વીવી નગર.................................................. ૩૮.૬

નલિયા........................................................ ૩૩.૮

(9:03 pm IST)