ગુજરાત
News of Thursday, 16th May 2019

ગુજરાતી માધ્યમની ટાટની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું

પરીક્ષાનું ૬૨.૩૨ ટકા પરિણામ જાહેર કરાયું : ટાટમાં ૧૮૬૭૪૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના ૧૨૦૮૬૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી : રિપોર્ટ : સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે

અમદાવાદ,તા.૧૬ :  ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટેની ટાટ(ટીચર્સ એપ્ટીટ્યૂડ ટેસ્ટ)નું પરિણામ જાહેર કરવામા આવ્યું હતું. ગત તા.૨૭ જાન્યુઆરીએ લેવાયેલી ટાટ(માધ્યમિક) આ પરીક્ષામાં ૧,૮૬,૭૪૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના ૧,૨૦,૮૬૨ હાજર રહ્યાં હતા અને ૬૫,૮૭૬ ગેરહાજર રહ્યાં હતા. આ પરીક્ષાનું કુલ પરિણામ ૬૨.૩૨ ટકા જાહેર કરવામાં આવ્યું છે. ટાટની પરીક્ષાના પરિણામને લઇ આજે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે ઉત્સુકતા અને ઇન્તેજારી જોવા મળ્યા હતા. પરિણામ જાહેર કરવાને લઇ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરાઇ હતી. આ વર્ષે લેવાયેલી ટાટની પરીક્ષામાં ૧,૮૬,૭૪૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના ૧,૨૦,૮૬૨ હાજર રહ્યાં હતા અને ૬૫,૮૭૬ ગેરહાજર રહ્યાં હતા. માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે ટાટની આ પરીક્ષા ફરજિયાત હોઇ ઉમેદવારો માટે ઘણી મહત્વની મનાય છે. ઉમેદવારો શિક્ષક બનવાની આશા સાથે ભારે મહેનત કરી આ પરીક્ષા આપતાં હોય છે. ગુજરાતી માધ્યમની જ આ ટાટની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. અગાઉ હિન્દી અને અંગ્રેજીની પરીક્ષા લેવાઇ હતી અને તેનું પરિણામ પણ જાહેર થઇ ચૂકયું છે. ઉલ્લેખનીય છે કે, સંસ્કૃત, હિન્દી, મરાઠી, તામિલ, ઉર્દૂ, સાયન્સ, કોમ્પ્યુટર, ડ્રોઇંગ, સીવણ, ગુજરાતી, કૃષિવિદ્યા સહિતના વિષયોને લઇ શિક્ષકોની નિમણૂંક માટે આ ટાટની પરીક્ષા લેવાતી હોય છે.

ઉમેદવારો પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://tatresult.sebgujarat.com/result_tats.aspx પર થી જોઈ શકશે

(8:23 pm IST)