ગુજરાત
News of Thursday, 16th May 2019

વડોદરા: વતનમાં લગ્ન પ્રસંગે ગયેલ પરિવારના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ બે લાખની મતા તફડાવી

 વડોદરા:વતન યુ.પી.માં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડા ૬૯ હજાર મળીને બે લાખ રૃપિયાની મત્તા ચોરી ગયા છે. 

ચોરીના બનાવ અંગેની મળતી માહિતી મુજબ સમતા પોલીસચોકીની સામે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં પરિવાર સાથે રહેતા દિપક સાહેબલાલ વિશ્વકર્મા ખાનગી કંપનીમાં સિનિયર ઓપરેશન્સ કન્સલટન્ટ તરીકે નોકરી કરે છે અને તેમની ઓફિસ ગેંડા સર્કલ પાસે આવેલ એટ્લાન્ટીસ હાઇટ્સમાં છે. ગત ૨જી મેએ રાત્રે મકાન બંધ કરીને તેઓ પરિવાર સાથે વતન યુ.પી. વારાણસી ખાતે પિતરાઇ બહેનના લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીનાઓ, કેમેરો તથા રોકડા રૃપિયા ૬૯ હજાર મળીને કુલ રૃપિયા ૧,૯૩,૬૦૦ની મત્તા ચોરી ગયા હતા. જે અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. 

(5:40 pm IST)