ગુજરાત
News of Thursday, 16th May 2019

વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્‍તારમાં દૂષિત પાણીના વિતરણતી સલાટવાડા વિસ્‍તારમાં યુવકનું મોત

વડોદરા :વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણી વિતરણ કરવાથી વધુ એકનુ મોત નિપજતાં હડકંપ મચ્યો છે. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા એક 32 વર્ષીય યુવકનું ગંદા પાણીને કારણે મોત નિપજ્યું છે.

વડોદરાના બાવનચાલમાં રહેતા 32 વર્ષીય સતીષ સોલંકીનું દૂષિત પાણી પીવાથી મોત નિપજયું છે. સતીષ સોલંકીને દૂષિત પાણી પીવાથી ડાયેરિયા થઈ ગયા હતા. તેમજ તાવ અને ઝાડા ઉલટી પણ થયા જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. મહત્વની વાત છે કે, બાવનચાલમાં છેલ્લા ચાર માસથી દુર્ગધ મારતુ દૂષિત પાણી આવે છે, જેને પીવા માટે લોકો મજબૂર છે. કારણ કે, બાવનચાલમાં ગરીબ પ્રજા રહેતી હોવાથી તેઓ પાણીના જગ નથી ખરીદી શકતા.

મૃતક સતીષના બહેન અને માતાએ દૂષિત પાણી આવતા હોવાની વાત કબૂલી સાથે મૃતક સતીષને ઝાડા ઉલટી અને ડાયેરીયા થયા હોવાનું પણ કહ્યું હતું. સતીષ સોલંકીનુ શંકાસ્પદ મોત થતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. જેથી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ સતીષ સોલંકીના મોતનુ સાચુ કારણ સામે આવી શકશે. પરંતુ એક કડવુ સત્ય એમ પણ છે કે હજી પણ લોકોને દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે.

(5:17 pm IST)