સગાઇ તોડી નાખતા યુવતીના ઘરે જઈને યુવકે કર્યો હંગામો
ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી : પોલીસને બોલાવતા યુવક ભાગ્યો
સુરત :કામરેજના યુવકની સગાઇ તૂટી જતા લસકાણા ખાતે યુવતીના ઘરે જઇ હંગામો કર્યો હતો. ગાળાગાળી કરવા સાથે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જોકે, પરિવારે પોલીસને બોલાવતા યુવક ભાગી ગયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ કામરેજમાં રઘુનંદન સોસાયટીમાંરહેતા રવિ બાબુભાઇ નારીગરાની સગાઇ લસકાણાની યુવતી સાથે થઇ હતી. જોકે, રવિની વર્તણૂક સારી ન હોવાથી યુવતી અને તેના પરિવારજનોએ સગાઇ તોડી નાંખી હતી. જેની અદાવત રાખીને ગત. 13મીએ સાંજે રવિ લસકાણા યુવતીના ઘરે ગયો હતો.
તેણે ઘરમાં જઇ ભારે તમાશો કર્યો હતો. યુવતીને પોતાની સાથે આવવા જણાવી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ સાથે નહીં આવે તો જીવતી છોડીશ નહીં એવી ધાકધમકી આપી હતી. સગાઇમાં જે ખર્ચો થયો છે તે ખર્ચો આપવાની વાત કરી હંગામો કર્યો હતો. યુવતીએ ફોન કરી પોલીસને બોલાવી તો રવિ ભાગી છૂટ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે સરથાણા પોલીસે રવિ નાગીગરા સામે ગુનો નોંધી તપાસ આદરી છે.