ગુજરાત
News of Thursday, 16th May 2019

વિવાદી પોસ્ટોથી દુર રહી, વિવાદ નહી સંવાદ સર્જવા અનુપમસિંહ ગેહલોતની અપીલ

જુનાગઢના પત્રકારો અને પોલીસ વચ્ચેના મતભેદમાં વડોદરાના વધુ બે પીએસઆઇએ પોલીસની તરફેણ કરતી પોસ્ટો મુકતા પોલીસ કમિશ્નર ચોંકી ઉઠયા : વ્યાજખોરો સામે રાજકોટ સ્ટાઇલથી ઝુંબંશ : વડોદરામાં બેનરો અને રિક્ષાઓ ફેરવી લોકજાગેતી માટે પ્રચાર-પ્રસાર

રાજકોટ, તા., ૧૬: જુનાગઢ સ્વામીનારાયણ મંદિરની કમીટીની ચુંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના પગલે પત્રકારો પર થયેલ લાઠીચાર્જની ઘટના સંદર્ભે જે પગલા લેવાયા તે સામે વડોદરાના લોકરક્ષક જી.બી.પરમાર દ્વારા મુકાયેલી પોસ્ટ અંગે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશ સંદર્ભે જોઇન્ટ પોલીસ કમિશ્નર દ્વારા સંબંધક લોકરક્ષકને હેડકવાર્ટરમાં બદલી નાખવામાં આવેલ.

વડોદરામાં આ એક જ લોકરક્ષક દ્વારા જ નહિ પરંતુ એક મહિલા પીએસઆઇ અને એક પીએસઆઇ દ્વારા લાઠીચાર્જ કરનારનો ફોટો શેર કરી તેની તરફેણમાં મુકેલ પોસ્ટ  રદ કરી નાખી છે.

જુનાગઢમાં ઉકત ઘટના બાદ પોલીસ અને પત્રકારો વચ્ચે મતભેદ સર્જાયા છે. સમાચારો હવે પોલીસ મથક દ્વારા તેમના સમય મુજબ અખબારોને મેઇલ કરી દેવામાં આવશે તેવું જણાવી દેવાયું છે. રાજકોટમાં પણ કેટલાક ગૃપોમાંથી પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ડીલીટ થયા છે. આવુ વાતાવરણ કલુષીત ન બને તે માટે વડોદરાના પોલીસ કમિશ્નરે પોલીસ સ્ટાફને વિવાદી પોસ્ટથી દુર રહેેવા સલાહ આપવા સાથે પત્રકારો અને પોલીસ વચ્ચે ફરી સુલેહભર્યુ વાતાવરણ સર્જાય તેવી અપીલ કરી છે.

દરમિયાન રાજકોટની માફક વડોદરામાં પણ વ્યાજખોરો સામે પોલીસ કમિશ્નરે આખા શહેર વ્યાપી ઝુંબેશ રાજકોટની માફક શરૂ કરી છે. લોકોને આ બાબતની વિસ્તૃત જાણકારી મળે તે માટે જાહેરમાં બેનરો લગાવવા સાથે રીક્ષાઓ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહયો છે. વિવિધ પોલીસ મથકોના વિભાગોમાં વ્યાજખોરો સામે આવા લોકદરબારો યોજાઇ રહયાની બાબતને વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.

(1:31 pm IST)