ગુજરાત
News of Thursday, 16th May 2019

અમદાવાદના ઓઢવમાં માલધારી સમાજ પર કથિત દમનના વિરોધમાં પાલનપુરમાં આવેદનપત્ર પાઠવાયું

અસભ્ય વર્તન કરનાર પોલીસ કર્મીઓ સામે ત્વરિત પગલાં ભરવાની ઉગ્ર માંગ

પાલનપુર : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં માલધારી સમાજના લોકો પર પોલીસ અને મ્યુનિસીપલ કોર્પોરેશનના કર્મીઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતા રાજ્યભરના માલધારી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને આ પોલીસ દમન મામલે ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે જેમાં માલધારી સમાજની મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરનાર પોલીસ કર્મીઓ સામે ત્વરિત પગલાં ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે

  પાલનપુર ખાતે વિહોતર ગ્રૂપ દ્વારા જિલ્લા કલેક્ટર અને એસ.પી કચેરીએ પણ આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં તા.૧૩ મે ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા માલધારી સમાજની બહેન દીકરીઓ પર ઘરમાં ઘૂસીને અત્યાચાર ગુજારવામાં આવતા રાજ્યભરના માલધારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતોપડ્‌યા છે અને આ પોલીસ દમન વિરુદ્ધ ઠેરઠેર દેખાવો યોજવામાં આવી રહ્યા છે

પાલનપુર ખાતે વિહોતર ગ્રૂપ દ્વારા ઓઢવ અત્યાચારના બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને માલધારી સમાજ ઉપર અત્યાચાર ગુજારનાર પોલીસ અને મ્યુનિસિપલ કર્મીઓ સામે પગલાં ભરી પીડિત માલધારી સમાજ ને ન્યાય આપવા ની ઉગ્ર માંગ કરાઈ હતી.

(12:17 pm IST)