ગુજરાત
News of Thursday, 16th May 2019

પ્રદુષણમાં ચોંકાવનારો વધારો

અમદાવાદની હવા શ્વાસ લેવા લાયક નથીઃ ઇન્ડેકસ ૧૦૦ને પાર

અમદાવાદ, તા.૧૬: અમદાવાદનો એર કવોલિટી ઈન્ડેક્ષ ૧૩૫એ પહોંચી ગયો છે. અમદાવાદમાં દિવસેને દિવસે વધતાં વાહનોની સંખ્યા, ફેકટરીઓનો ફાટી નીકળેલો રાફડો, જેના કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ઉડતી ધૂળના કારણે પણ હવા બિન આરોગ્યપ્રદ બની રહી છે.

 એર કવોલિટી ઈન્ડેક્ષ ૧૦૦થી નીચે હોય તો તે હવા આરોગ્ય માટે સારી ગણાય છે. જોકે આંક ૧૦૦એ પહોંચી જાય તો હવા શ્વાસ લેવા લાયક નથી રહેતી. જો કે રાજયભરના શહેરોમાં પ્રદૂષણ અંગે વાત કરીએ તો ગાંધીધામમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ગાંધીધામમાં એર કવોલિટી ઈન્ડેક્ષ ૧૫૮એ પહોંચ્યો છે.

 ગાંધીધામમાં પ્રદૂષણ વધવાનું કારણ ફેકટરીઓ અને કંપની છે. ગાંધીધામમાં મોટી સંખ્યામાં કેમિકલ, કોલસા અને અન્ય ચીજોની ફેકટરીઓ આવેલી છે,  જેના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે.  જયારે ગાંધીધામ બાદ વલસાડમાં એર કવોલિટી ઈન્ડેકસ ૧૨૯ છે. રાજયના પાટનગર ગાંધીનગરમાં ૧૨૧, આણંદમાં ૧૦૬નો આંક નોંધાયો છે.

(11:29 am IST)