ગુજરાત
News of Wednesday, 15th May 2019

દલિતો પર અત્યાચાર પ્રશ્ને રાજયપાલ સમક્ષ રજૂઆત

અસામાજિક તત્વો વિરૂદ્ધ સરકાર કાર્યવાહી કરે : કોંગ્રેસ : કોંગ્રેસના ધારાસભ્યો સહિતના નેતાઓએ રાજયપાલને રૂબરૂ મળી રજૂઆત સાથે આવેદનપત્ર પણ સુપ્રત કર્યું

અમદાવાદ,તા.૧૫ : ગુજરાતમાં દલિતોને લગ્નપ્રસંગમાં વરઘોડો નહી કાઢવા દઇ સામાજિક બહિષ્કારના વકરેલા વિવાદ વચ્ચે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગુજરાતના રાજયપાલને રૂબરૂ મળી આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજયમાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર મામલે રાજય સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય અને યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસ તરફથી આ મુદ્દે રાજયપાલને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં અરવલ્લીના મોડાસાના ખંભીસર, કડીના લ્હોર, પ્રાંતિજના બોરીયા, વડાલીના ગાજીપુર સહિતના ગામોમાં દલિતોના લગ્નપ્રસંગ દરમ્યાન વરઘોડો નહી કાઢવા દઇ સ્થાનિક ગ્રામજનો દ્વારા દલિતોનો સામાજિક બહિષ્કાર કરવાનો મામલો હવે વધુ ગરમાયો છે. આજે વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રુમખ અર્જુન મોઢવાડિયા સહિતના અનેક કોંગ્રેસની ધારાસભ્યો અને નેતાઓ રાજયપાલ ઓ.પી.કોહલીને રૂબરૂ મળ્યા હતા અને સમગ્ર મામલાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાને મૂકી સરકાર દ્વારા આ કિસ્સાઓમાં તાત્કાલિક પગલાં લેવાય અને યોગ્ય કાર્યવાહી થાય તે માટેની માંગણી કરી હતી. વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને પૂર્વ પ્રદેશ પ્રુમખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં દલિતો પર અત્યાચારની જે ઘટનાઓ સામે આવી છે, તે નિંદનીય અને ગુજરાતના ગૌરવને કલંકિત કરનારી છે. આ તમામ ઘટનાઓમાં સરકાર અને પોલીસ તંત્રની મિલીભગત સામે આવી છે. વાસ્તવમાં સરકાર દ્વારા આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. આ કમળની સરકાર એટલે, કૌભાંડોની સરકાર છે. ભાજપ સરકાર ગુજરાતમાં સમાજ અને જાતિઓમાં ઝેર ઘોળવાનું પાપ કરી રહી છે. તેમણે ખાતર કૌભાંડમાં પણ સરકાર દ્વારા ન્યાયિક તપાસ થાય તે માટેની માંગણી કરી હતી. દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી  રાજીવ સાતવે પણ દલિતોનો મુદ્દો વિધાનસભા સત્રમાં ઉછાળવાની વાત પણ કરી હતી. સાતવે જણાવ્યું કે, ભાજપ સરકાર માત્ર દલિત હિમાયતી હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્વતમાં ભાજપના જ ઇશારે દલિતો પર અત્યાચાર થઇ રહ્યા છે. આ સરકાર દલિત વિરોધી સરકાર છે. કોંગ્રેસ આગામી વિધાનસભા સત્રમાં આ સમગ્ર મુદ્દો વિધાનસભામાં ભારે ઉગ્રતા સાથે ઉઠાવશે.

(10:37 pm IST)