ગુજરાત
News of Wednesday, 15th May 2019

વિદ્યાર્થીઓ ન મળતા જીટીયુ સંલગ્ન છ કોલેજો બંધ કરાશે

એન્જિનિયરિંગની ૩૦ હજાર બેઠકો ખાલી : જીટીયુની બે ફાર્મસી અને બે મેનેજમેન્ટ કોલેજો ઉપરાંત ૧ એન્જિનીયરીંગ અને એક એમસીએ કોલેજ બંધ કરાશે

અમદાવાદ,તા.૧૫ : વિદ્યાર્થીઓ નહી મળવાના કારણે અને કોલેજ ટકાવી રાખવા મુદ્દે કફોડી હાલત ઉભી થતાં રાજયની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી(જીટીયુ) સંલગ્ન બે ફાર્મસી અને બે એમબીએ કોલેજ સહિત કુલ છ કોલેજો ટૂંક સમયમાં જ બંધ થઇ જશે.  ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની છ કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે. વિદ્યાર્થીઓ નહી મળતાં આ કોલેજોએ તેમની કોલેજ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. એકસાથે છ કોલેજો બંધ થવાના આરે આવીને ઉભી હોવાથી શૈક્ષણિક સ્થિતિનો સાચો ચિતાર સામે આવ્યો છે.       રાજયની જીટીયુ સંલગ્ન જે છ કોલેજો બંધ થવાની છે, તેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજને પણ તાળા વાગશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં ૩૦ હજાર જેટલી બેઠકો ખાલી રહેશે. આ વર્ષે સાયન્સમાં ૧.૪૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૯૫ હજાર જ પાસ થયા હતા. તે પૈકી છ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૯ હજાર હતી. તેમાંથી ૪૫ ટકા ઉપરની ટકાવારી મેળવનાર મોટાભાગના એન્જિનિયરિંગમાં પ્રવેશને પાત્ર છે. ઉપરાંત ૩૯ હજારમાંથી કેટલાકને બીએસસીમાં પ્રવેશ મળે છે. રાજ્યમાં એન્જિનિયરિંગની કોલેજોમાં ૬૧ હજાર બેઠકો સામે રાજ્યમાંથી ૩૯ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને પગલે અડધોઅડધ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.

કઈ કોલેજો બંધ થશે....

*   રત્નમણિ ફાર્મસી કોલેજ, ક્રિષ્ણા કેમ્પસ, શંખલપુર બેચરાજી, મહેસાણા

*   આઈકે પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હાજીપુર હિંમતનગર

*   ગોલ્ડન જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી સિધ્ધપુર, પાટણ

*   મુરલીધર ગ્રૂપ ઓફ ઈન્ટિટ્યુશન રાજકોટ

*   શ્રી બ્રહ્માનંદ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, જૂનાગઢ

*   એફ ડી મુબિન ડિગ્રી કોલેજ ઓફ એન્જિનીયરીંગ

(8:22 pm IST)