ગુજરાત
News of Wednesday, 15th May 2019

ડાકોર-કપડવંજ રોડ પર પુરપાટ ઝડપે જતી ટ્રક પલટાઈ: માલસામાનને ભારે નુકશાન: જાનહાની ટળી

ડાકોર:ડાકોર-કપડવંજ રોડ પર ચેતરસુંબા સીમમાં પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે રોડ પર આડી ઉતરેલી એક ગાડીને બચાવવા જતાં સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક પલટી ખાઈ જઈ રોડની સાઈડમાં ગટરમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક તેમજ ટ્રકમાં મૂકેલ જનરેટરોને ભારે નુકસાન થયું હતું. 

આ અંગે મળતી માહિતી મુજબ હરિયાણા રાજ્યના પલવારમાંથી ટ્રક નં આરજે ૦૧ જીએ ૯૭૨૩ માં દશ નંગ જનરેટરો ભરી ટ્રકનો ચાલક ધન્નાસીંગ છગનસીંગ રાવત ડિલિવરી કરવા માટે વડોદરા જવા નીકળ્યાં હતાં. ગત મોડી રાતના સમયે આ ટ્રક ડાકોર-કપડવંજ રોડ પર આવેલ ચેતરસુંબા ગામની સીમમાંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગ પર આવેલ આશીર્વાદ હોટલમાંથી અચાનક એક ગાડી બહાર આવી રસ્તા પર આડી ઉતરી હતી. આ ગાડીને બચાવવા માટે ટ્રકના ચાલક ધન્નાસીંગ રાવતે પોતાની ટ્રકને સાઈડમાં લેવા જતાં સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં ટ્રક રોંગ સાઈડે જઈ ગટરમાં અર્ધ-પલટી ખાઈ ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ટ્રક તેમજ ટ્રકમાં મૂકવામાં આવેલ જનરેટરોને ભારે નુકસાન થયું હતું. પોલીસે આ બાબતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

(5:45 pm IST)