ગુજરાત
News of Wednesday, 15th May 2019

'કારકીર્દિ'ના ઉંબરે : કોંગ્રેસે ૧પ૦ થી વધુ અભ્યાસક્રમો, પ્રવેશ, શિષ્યવૃત્તિ વગેરેની માહિતીનો ખજાનો ખોલ્યો

'ધો.૧ર પછી શું?' ઇ-બુક વિમોચન : ડો. મનીષ દોશીની ટીમનું શિક્ષણલક્ષી સોપાન : ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ : સરકાર પર તૂટી પડતા કોંગ્રેસી નેતાઓ

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશી (મો. ૯૪ર૬૦ ૦૧પ૯૯) દ્વારા સંપાદિત 'કારકીર્દિ'ના ઉંબરે, ધો. ૧ર પછી શું ઇ પુસ્તકના વિમોચન પ્રસંગે રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશભાઇ ધાનાણી, અર્જુન મોઢવાડિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા.૧૫: ''કારકિર્દીના ઊબરે'' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઇ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે, હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત ચૌદમાં વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે.

જે તે સરકારની જવાબદારી છે કે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળના અભ્યાસક્રમ માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પડે, પરંતુ તેમ કરવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. દેશના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ એવી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર પ્રજાના હિતાર્થે ''રાઇટ ટુ એજ્યુકેશન''નો કાયદો લાવી, સાક્ષર ભારતના નિર્માણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી અને યોજનાઓના અમલીકરણ માટે મોટા પ્રમાણમાં નાણાની ફાળવણી પણ કરી, પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારથી વિદ્યાર્થી જગતને તેનો લાભ પૂરતા પ્રમાણમાં મળતો નથી. ''કારકિર્દીના ઊંબરે'' ધોરણ ૧૨ પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તક તૈયાર કરનાર કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવકતા ડો.મનિષ દોશી, ડો.વિજય દવે, નિશીત વ્યાસ, કિર્તન જાની અને હિરેન બેન્કરને કોંગ્રેસ પક્ષ તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

''કારકિર્દીના ઊંબરે'' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઇ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ની પરીક્ષામાં સફળતા મેળવનાર સર્વે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન જીવનમાં પ્રગતિ માટે ધોરણ-૧૨ પછી સાચા અને રસના અભ્યાસક્રમની પસંદગી અતિ આવશ્યક બની જાય છે. વિદ્યાર્થી મિત્રોને સાચા માર્ગદર્શન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંનિષ્ઠ આગેવાન અને મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશી (ેએન્જીનીયર) અને તેમના સહયોગીઓ દ્વારા માર્ગદર્શક ઇ-બુક ''કારકિર્દીના ઉંબરે ધોરણ ૧૨ પછી શું?'' પ્રસિદ્ધ કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે તે પ્રસંશનીય છે.

કારકિર્દીના ઉંબરે ધોરણ ૧ર પછી શું ? કારકીર્દી માર્ગદર્શન ઇ-બુકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ-ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદ શ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની યુપીએ સરકારે નેશનલ નોલેજ નેટવર્કની સ્થાપના કરી દેશની ૪૦૦ થી વધુ યુનિવર્સિટી અને ૧૦૦થી વધુ રાષ્ટ્રીય સંસ્થાઓને એકબીજા સાથે જોડી દીધી છે અને દેશમાં ૧૯ હજાર નોલેજ નેટવર્ક નોડ ઉભા થયા છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઇઆઇટીની સાથે સેન્ટ્રલની યુનિવર્સિટીની પણ સ્થાપના થઇ છે.

સરકારી - ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તુટતુ જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફી ના ધોરણો વ્યાપકપણે ઉંચુ થતુ જાય છે. ગુજરાતમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ બનાવવા માટેના પ્રયત્નો રાજય સરકાર દ્વારા ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્યાપારીકરણ થઇરહ્યું છે. રાજય સરકારે ગુણવતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપમાં વધારો કરીને આર્થિક પીઠબળ પુરૂ પાડવું. જોઇએ. રાજયની ઇજનેરી-ફાર્મસી, ડીગ્રી, ડીપ્લોમા, સરકારી કોલેજોના ૬૦ ટકાથી વધુ અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે.

પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, એકતરફ રાજયમાં બેરોજગારીનો આંકડો વધતો જાય છે. સરકારી વિભાગોમાં પુરતા પ્રમાણમાં સ્ટાફ નથી અને બીજી તરફ રાજય સરકાર ફિકસ પગારના નામે શિક્ષીત યુવક-યુવતીઓનું આર્થિક શોષણ કરી રહી છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે લોનની સુવિધા યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજય સરકારે ગુણવતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની રકમમાં વધારો કરીને પીઠબળ પુરૂ પાડવું જોઇએ.

માર્ગદર્શક પુસ્તકના સંપાદક ડો. મનિષ દોશી (એન્જીનીયર) એ જણાવ્યુ હતુ કે ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની, કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધો. ૧૨ પછી ઉપલબ્ધ ૧૫૦થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાસક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦થી વધુ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે. નવા નવા અભ્યાસક્રમો કે જે રાજ્યમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી-પ્રવેશ પરીક્ષા અને બને ત્યાં સુધી જુદી જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી.ના દરીયા કિનારાને ધ્યાનમાં લઈ નેવી, નેવલ, શીપીંગ તથા એરફોર્સ, આઇ.એ.એસ., અધ્યાપક બનવા જરૂરી લાયકાતો સાથે માહિતી આપવામાં આવી છે. દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એકસ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઇન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ) અને ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વિગત પણ આપવામાં આવી છે. શિક્ષણ માટે એજ્યુકેશન લોન અને સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે.

''કારકિર્દીના ઊંબરે'' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઇ-બુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઇટ www.gujaratcongress.in અને www.careerpath.info ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

(3:52 pm IST)