ગુજરાત
News of Wednesday, 15th May 2019

ગૌતમ અદાણીનો કરમાઈકલ કોલ પ્રોજેકટ ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી મુદ્દો બની ગયો

૧૮મીએ ચૂંટણી : અદાણી દ્વારા ખાણો ખોદી કોલસો કાઢવાના પ્રોજેકટનો વિરોધ, મોટો મુદ્દો... અદાણીના વિરોધમાં ઓસ્ટ્રેલિયામાં યાત્રાઓ કાઢવામાં આવેલ : અદાણી દ્વારા ખાણો ખોદી કોલસો કાઢવાના પ્રોજેકટનો વિરોધ એ મોટો મુદ્દો છે

નવી દિલ્હી : ૧૮મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી યોજાશે જેમાં ગૌતમ અદાણીનો કરમાઇકલ કોલસા પ્રોજેકટ મોટો મુદ્દો છે. ભારતના અબજપતિ ગૌતમ અદાણીનો કિવન્સલેન્ડમાં આવેલો કરમાઇકલ કોલસા પ્રોજેકટ ઓસ્ટ્રેલિયામાં ૧૮મી મેના રોજ યોજાનારી કેન્દ્રીય ચૂંટણીમાં અગત્યનો મુદ્દો બન્યો છે.

અર્થતંત્ર અને પર્યાવરણ, કોલસો અને કલાઇમેટને સ્પર્શતો આ મુદ્દો રાજકીય પક્ષો અને મતદારોમાં વિભાજન ઊભો કરી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયન કન્ઝર્વેટિવ ફાઉન્ડેશન (ACF)ના માધ્યમથી સાત અપક્ષ ઉમેદવારોએ એક સીમાચિહ્ન સમાન કરાર કર્યો છે.  આ ઉમેદવારોએ પ્રણ લીધું છે કે તેઓ જળવાયુ પરિવર્તનના અનેક મુદ્દાઓ હાથ પર લેશે.  તેમાં અદાણીની ખાણો ખોદીને કોલસો કાઢવાના પ્રોજેકટના વિરોધનો પણ સમાવેશ થશે. તેઓ જીતી જશે તો સંસદમાં અદાણીની થર્મલ કોલમાઇનનો વિરોધ કરશે.  કન્ઝર્વેટિવ લિબરલ-નેશનલ પક્ષોની બનેલી સંયુકત કેન્દ્ર સરકાર આ વખતે ચૂંટણીમાં પાછળ ચાલી રહી હોવાનું અનુમાન છે.  આ સરકાર મહદ અંશે કોલસાની ખાણોના ખોદકામની અને કોલસાના નિકાસની તરફેણ કરતી રહી છે.

૫૨,૯૦૦ લોકોને રોજગારી

ફેબ્રુઆરી ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાના કોલસા ખાણ ઉદ્યોગમાં લગભગ ૫૨,૯૦૦ લોકોને રોજગારી મળી રહી હતી  સરકારના પ્રવકતાએ બીબીસી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વિદેશી મૂડીરોકાણ થાય તેની (સ્કોટ) મોરીસન સરકાર તરફેણ કરે છે. અદાણી કરમાઇકલ માઇન એન્ડ રેલ પ્રોજેકટ કિવન્સલેન્ડ પ્રદેશ માટે મહત્ત્વનો પ્રોજેકટ છે. તેના કારણે સ્થાનિક સમુદાયના લોકોને ૧૫૦૦ જેટલી નોકરીઓ મળશે, જયારે આડકતરી રીતે હજારોને રોજગારી મળશે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાના કોલસા ખાણ ઉદ્યોગમાં લગભગ ૫૨,૯૦૦ લોકોને રોજગારી મળી રહી હતી.

લેબર પક્ષના નેતા બીલ શોર્ટને ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (ABC)ના ૭.૩૦ કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું એવું કહીશ કે ખાણની બાબતમાં મારો અભિપ્રાય હું ઉત્ત્।મ વિજ્ઞાનના પાયા પર આપીશ. જો બધા વૈજ્ઞાનિક પાસા પાર ઉતરતા હશે તો હું જોખમ નહીં લઉં. અમે એકપક્ષી રીતે કામ નહીં કરીએ.

પૌલીન હેન્સનની આગેવાની હેઠળની જમણેરી વન નેશન પાર્ટી અને અબજપતિ કલાઇવ પાલમરની આગેવાની હેઠળની યુનાઇટેડ ઓસ્ટ્રેલિયા પાર્ટી બંનેએ કરમાઇકલ પ્રોજેકટને ટેકો આપ્યો છે.  પાલમર પોતે લોહ, નિકલ અને કોલસાની ખાણો ધરાવે છે.

ઓસ્ટ્રેલિયામાં મતદારોનો અભિપ્રાય વ્યકત કરતાં સૌથી વધુ મોટા સર્વે ABC વોટ કમ્પાસના તાજેતરના સરવેમાં ૨૯ લોકોએ ટકાએ પર્યાવરણના મુદ્દાને સૌથી અગત્યનો મુદ્દો ગણાવ્યો હતો.

અગાઉ ૨૦૧૬માં જયારે આવો સરવે થયો ત્યારે ફકત ૯ ટકા લોકોએ આ મુદ્દાને પ્રથમ ક્રમ આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને અગ્રણી પર્યાવરણ કાર્યકર બોબ બ્રાઉને અદાણી પ્રોજેકટ સામે ઝુંબેશ ચલાવી હતી.

તેમની આગેવાનીમાં ટાપુ રાજય તાસ્માનિયાના હોબાર્ટ આઇલેન્ડથી શરૂ કરીને કિવન્સલેન્ડના પૂર્વ તરફના દરિયાકિનારા સુધી અને ત્યાંથી રાજધાની કેનબેરા સુધી સ્ટોપ અદાણીના વિરોધમાં યાત્રા કાઢવામાં આવી હતી.

આ યાત્રા કેનબેરામાં પાંચમી મેએ પૂરી થઈ હતી અને ત્યાં પર્યાવરણ સંરક્ષણ માટે વિશાળ સભા પણ યોજાઈ હતી.

પર્યાવરણને જોખમ

ગંદા કોલસાને જમીનમાંથી કાઢ્યા બાદ પહેલા તેમને ધોવામાં આવે છે જેમાં ખૂબ માત્રામાં પાણીની જરૂર હોય છે.

બ્રાઉને બીબીસીને જણાવ્યું હતું કે, ખાણ બની રહી છે તે વિસ્તારના સ્થાનિક લોકોમાં આ મુદ્દે સ્પષ્ટપણે તિરાડ પડી ગઈ છે. ખાણને કારણે રોજગારી મળશે તેવી આશામાં સ્થાનિક લોકો તેનું મજબૂત સમર્થન કરી રહ્યા છે. બીજી બાજુ એવી પણ જોરદાર લાગણી છે કે કોલસો બાળવાથી ગ્રીનહાઉસ ગેસ નીકળે છે, જેના કારણે ગ્રેટ બેરિયર રીફ (પરવાળાનો પ્રદેશ )ને નુકસાન થઈ રહ્યું છે. પરવાળાને કારણે જુદા જુદા વ્યવસાયોમાં રહેલા ૬૪,૦૦૦ લોકોને રોજગારી મળે છે. તે લોકો નથી ઇચ્છતા કે તેમને વધારે નુકસાન થાય.

ગ્રેટ બેરિયર રીફ એ પરવાળાનો પ્રદેશ છે અને તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે.

પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર એવો ગ્રેટ બેરિયર રીફ ૩૪૮,૦૦૦ ચોરસ કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલો છે.

તેમાં ૪૦૦ જાતના પરવાળા, ૧,૫૦૦ જાતની માછલીઓ, ૪,૦૦૦ જાતના છીપલાં, લગભગ ૨૪૦ જાતના પક્ષીઓ અને બીજી અનેક પ્રકારની જીવસૃષ્ટિ જોવા મળે છે.

હાલના સમયમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં થઈ રહેલા વધારા, ખાણના પ્રોજેકટ, બંદરોનો વિકાસ, દરિયાની અંદર ડ્રેજિંગ અને શિપિંગ ટ્રાફિકમાં વધારો જેવા કારણોને લીધે આ દુનિયાની આ સૌથી લાંબી ગ્રેટ બેરિયર રીફ પર જોખમ ઊભું થયું છે.

એસીએફના આંદોલનકારી ક્રિશ્યિયન સ્લેટરી ચેતવણી આપતા કહે છે, ઙ્કઅદાણીની ખાણને કારણે વધુ એક થર્મલ મથક બનશે. તેના કારણે વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ ઊભી થશે અને લાખો ટન પ્રદૂષણ તેના કારણે વાતાવરણમાં ભળશે. એટલું જ નહીં, ખાણને કારણે મધ્ય ઓસ્ટ્રેલિયામાં જરૂરી એવા ભૂગર્ભ જળ પણ ખૂટી પડશે. તેના કારણે ઘાસના મેદાનો અને વન્યસૃષ્ટિ સામે જોખમ ઊભું થશે.

કરમાઇકલ ખાણ ગ્રેટ આર્ટેસિયન બેઝીન પાસે બની રહી છે. આ વિશ્વનો સૌથી વિશાળ ભૂગર્ભ જળ ધરાવતો વિસ્તાર છે.

અંદાજે ૬.૫ કરોડ ગીગા લીટર્સ જળ ભૂગર્ભમાં સંગ્રહાયેલું છે અને કુલ વિસ્તાર ૧૭ લાખ ચોરસ કિલોમિટરનો છે.

ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવશે તે માટે અદાણીએ આપેલી યોજનાને ૧૧ એપ્રિલે ચૂંટણીની જાહેરાત થઈ તેની પૂર્વસંધ્યાએ જ ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.

કરમાઇકલ પ્રોજેકટ ચાર વર્ષ પહેલાં જ તૈયાર થઈને ધમધમતો થઈ જવાની ગણતરી હતી, પરંતુ કંપની સામે અનેક કાનૂની અડચણો આવી છે.

પર્યાવરણના મુદ્દે અને સ્થાનિક આદિવાસી જૂથો તરફથી છેલ્લા નવ વર્ષમાં અનેક અડચણો આવતી રહી છે.

અદાણી ગ્રુપે ઓસ્ટ્રેલિયાના કોલસાથી સૌથી સમૃદ્ઘ વિસ્તાર ગેલીલી બેઝીનમાં આવેલી ગ્રીનફિલ્ડ કમાઇકલ કોલમાઇન ખરીદી હતી.

આ ઉપરાંત કિવન્સલેન્ડના દરિયાકિનારે બોવેન નજીક આવેલા એબોટ પોઇન્ટ પોર્ટની પણ ખરીદી ૨૦૧૦માં કરી હતી.

અદાણીએ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયામાં ૩.૩ અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

તેમાં રિન્યૂએબલ એનર્જીનો પણ સમાવેશ થઈ જાય છે.

અદાણી જૂથની જ કંપની અદાણી રિન્યૂએબલ્સ ઓસ્ટ્રેલિયા, કિવન્સલેન્ડમાં મોરાનબા શહેરની નજીક અને દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં વાયાલા નજીક સોલર ફાર્મ બનાવશે.

અદાણી ઓસ્ટ્રેલિયાના પ્રવકતાએ જણાવ્યું કે, અમારા ભાવિ ઉર્જા સ્રોતોમાં રિન્યૂએબલ્સ અગત્યનો હિસ્સો બની રહેશે. પરંતુ માગ પૂરી કરવા માટે અત્યારે રિન્યૂએબલ્સ પૂરતા નથી. આપણે એ પણ જોવું રહ્યું કે આધારભૂત અને સસ્તી ઊર્જા મળી રહે, અને અહીં જ કોલસાની ભૂમિકા અગત્યની છે.

(3:42 pm IST)