ગુજરાત
News of Wednesday, 15th May 2019

દલિતો પર અત્યાચાર :ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તમામ જિલ્લાઓમાં ફરી સરકારનો બહિષ્કાર કરશે

હવે ગુજરાત દલિતો માટે નર્ક સમાન બની ગયું: અલ્વરની ઘટનાની ટીકા પણ ગુજરાતની ઘટનામાં પીએમ મૌન કેમ ?

 

અમદાવાદ:રાજ્યમાં પાંચ ગામમાં દલિતોના વરઘોડાને લઈને વિવાદ મામલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, સરકાર માટે ઘટના શરમજનક છે, છતાં સરકાર તરફથી કોઈ પગલા લેવાયા નથી. જેથી હવે જીજ્ઞેશ મેવાણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને સરકારનો બહિષ્કાર કરશે.

  જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, તાજેતરમાં બનેલી દલિત અત્યાચારની ઘટનાઓ અને વરઘોડા કાઢવાના બાબતે ઉભી થયેલી તણાવ ભરેલી સ્થિતિ ખુબ શરમજનક છે. ઘટના ગુજરાતના ગૌરવને કલંકિત કરતી ઘટના છે. હવે ગુજરાત દલિતો માટે નર્ક સમાન બની ગયું છે

  જીગ્નેશ મેવાણીએ એવો આરોપ લાગવ્યો હતો કે  રાજ્ય સરકાર અને પોલીસ વિભાગની રહેમ નજર કેટલાક તત્વો પ્રકારની સ્થિતિ ઉભી કરી રહ્યા છે અને તેમનો બચાવ થઇ રહ્યો છે. ઘટના મામલે રાજ્યના મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન, ભાજપના ધારાસભ્યો કે પોલીસ વડા દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

  અંગે મેવાણીએ વધુમાં જણાવ્યું કે, અરવલ્લીના DYSP ફાલ્ગુની પટેલે પણ દલિત મહિલાઓ પર અત્યાચાર કર્યો છે અને અભદ્ર તેમજ અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમની સામે પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી તો સરકારે તે મામલે ફાલ્ગુની પટેલ સામે કાર્યવાહી કરવી જોઈએ. ઉપરાંત, એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોધવો જોઈએ. તેમજ જે 5 જિલ્લામાં ઘટના બની છે, તે જિલ્લાના SP સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવી જોઇએ. કારણ કે વરઘોડો કાઢતા પહેલા રજૂઆત કર્યા છતાં પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી તેવું જણાવાયું હતું.

  મેવાણીએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, રાજસ્થાનના અલવરમાં બનેલી ઘટના અંગે વડાપ્રધાને ટિકા કરી હતી, ગુજરાતની ઘટના અંગે શા માટે મૌન ધારણ કર્યું છે. તેમજ ગુજરાત સરકારે પણ મૌન ધારણ કર્યું છે, માટે હવે જીગ્નેશ મેવાણી ગુજરાતના 33 જિલ્લા અને ગામેગામ ફરી અભિયાન ચલાવશે અને સરકારનો વિરોધ કરી બહિષ્કાર કરશે.

(11:26 pm IST)