ગુજરાત
News of Wednesday, 15th May 2019

કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુનો દેહવિલય : આજે અંતિમ સંસ્કાર

પાટણ, તા. ૧પ : કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ કેટલાંય સમયથી બિમાર હોવાથી તેમને પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં સર્વ સમાજના ભકતો અને આગેવાનોએ સદારામ બાપુના ખબર અંતર પૂછયા હતા. પરંતુ મંગળવારે તેમની તબિયત વધુ નાજુક થતાં તેમને ટોટાણા આશ્રમ ખાતે ગત રાત્રે લઇ જવાયા હતાં.  તેમના ખબરઅંતર પૂછવા ભાજપના કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ મંત્રી અને ધારાસભ્યો સહિત ટોટાણા ખાતે બાપુના ખબર અંતર પૂછી દર્શન કર્યા. બપોરે સદારામ બાપુ દેવલોક પામ્યા  હતા અને ટોટાણા આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર થયા હતા.

કાંકરેજના ટોટાણા ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુના ભજન-કિર્તન થકી સમાજમાં વપેલા ખોટા વ્યસનના દુષણો દૂર કરી સમાજ સુધારણાનું કામ કરતા અને ૧૧૩ વર્ષની શતાયુ જીવન વટાવી ચૂકેલા સંત સદારામ બાપાની તબિયત તાજેતરમાં અચાનક બગડતા તેમને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમને પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સોમવારની રાત્રે લાવવામાં આવ્યા હતાં.

બાપુએ સાંજના ૬-૪૪ કલાકે પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી સમગ્ર કાંકરેજ પંથક સહીત ગુજરાત ભરના ભકતજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ટોટાણા ખાતેના આશ્રમે બાપુના અંતિમ દર્શન કરવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. ત્યારબાદ બાપુના સેવક તેવા સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, થરા એ.પી.એમ.સી.ચેરમેન અણદાભાઇ આર.પટેલ, થરા ઠાકોર કેળવણી મંડળ પ્રમુખ ભુપતજી એન.ઠાકોર, થરા નગર પાલિકા ઉપપ્રમુખ વસંતજી જે. ધાંધોસ, થરા નગર પાલિકા પૂર્વ-પ્રમુખ વિનોદજી આર ઠાકોર, દાસબાપુ ટોટાણા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, નંદાજી ઠાકોર, રસિકજી ઠાકોર, બાબરી ટીમના અણદાભાઇ એસ.પ્રજાપતિ, ઉમેશભાઇ વી.પ્રજાપતિ, કિશોરભાઇ ડી.પ્રજાપતિ વગેરે સહીતના શ્રદ્ધાળુઓએબાપુના અંતિમ દર્શન કર્યા.  બાપુના આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર આજે થયા હતા.

(1:21 pm IST)