ગુજરાત
News of Wednesday, 15th May 2019

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે

એક વિષયમાં નાપાસ થયેલની યાદી મોકલી દેવાઈ : બે વિષયવાળાની યાદી સામાન્ય પ્રવાહના પરિણામ સાથે મોકલાશે

અમદાવાદ : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિજ્ઞાન પ્રવાહમાં એક તથા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બીજો પ્રયત્ન આપી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા આ નિર્ણય લેવાયો છે.

  માર્ચ 2019માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા કે ગેરહાજર હોવાને કારણે નાપાસ થયેલા ઉમેદવારો જુલાઇ 2019માં યોજાનારી પુરક પરીક્ષા આપી શકશે. આ માટે એક વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારોની યાદી શાળાઓમાં મોકલી અપાઇ છે, જ્યારે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારોની કોમ્પ્યુટર યાદી સામાન્ય પ્રવાહ પરિણામ સાથે શાળાઓમાં મોકલવામાં આવશે.
  બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે વિજ્ઞાન પ્રવાહમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારોએ નિયત ફી સાથે શાળાનો સંપર્ક કરવાનો રહેશે. શાળાઓએ ઉપસ્થિત થનાર ઉમેદવારોની સહી કોમ્પ્યુટર યાદીમાં લેવાની રહેશે અને તેની નિયત પરીક્ષા ફી ચલણથી ભરવાની રહેશે. ચલણનો નમુનો બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવેલ છે

(7:17 pm IST)