ગુજરાત
News of Friday, 16th April 2021

જીટીયુ બાયો સેફટી લેબોરેટરીઝમાં અત્યાર સુધીમાં 400થી વધુ RTPCR ટેસ્ટ કરાયા : ઝડપીકામનો દાવો

લેબ શરૂ કરીને કોરોના મહામારીને નાથવા માટે વ્યવસ્થા

અમદાવાદ : હાલમાં સમગ્ર વિશ્વ કોવિડ-19ની મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ તેના નિવારણના ભાગરૂપે દરેક સ્તર પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીટીયુ દ્વારા પણ આ મહામારી સમા પડકારનો સામનો કરીને સમાજ સેવાના વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં અતિ મહત્વનું કાર્ય કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ માટે ક્લાસ-2 પ્રકારની બાયો સેફ્ટી લેબોરેટરીઝ શરૂ કરી છે.

જીટીયુ દ્વારા કોઈ પણ પ્રકારની અન્ય મદદ વગર આ બાયોસેફ્ટી લેબ સ્થપાઈ છે. હાલના સમયે યુધ્ધના ધોરણે જીટીયુ દ્વારા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારની જાહેર જનતાં માટે આ લેબ શરૂ કરીને કોરોના મહામારીને નાથવા માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 400થી પણ વધુ કોવિડ-19ના સેમ્પલનું યોગ્ય નિદાન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ICMRના પોર્ટલ પર પ્રતિદિન કરાયેલા ટેસ્ટની વિગત જેવી કે , દર્દીની સ્વાસ્થ્ય સંબધીત તમામ માહિતી , વેક્સિન લીધેલી છે કે નહી, રીપોર્ટ સંબધીત બાબતો વગેરે ડેટા અપલોડ કરવામાં આવે છે.

ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અગ્રગણ્ય હરોળમાં સ્થાન ધરાવે છે. શિક્ષણની સાથે-સાથે સમાજ સેવાના પણ અનેક પ્રકારના કાર્યો જીટીયુ તરફથી કરવામાં આવે છે.

ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) બાયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. જીટીયુ તરફથી કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)માં અરજી કરવામાં આવી હતી.

ક્લાસ-2 પ્રકારની બાયો સેફ્ટી લેબોરેટરીઝને લગતાં તમામ પ્રકારના ICMRના ધરાધોરણોમાં જીટીયુ ખરી ઉતર્યું હતું. આ અનુસંધાને આઈસીએમઆર દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RTPCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અત્યાર સુધી 400થી પણ વધુ કોવિડ-19ના સેમ્પલનું યોગ્ય નિદાન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ICMRના પોર્ટલ પર પ્રતિદિન કરાયેલા ટેસ્ટની વિગત જેવી કે , દર્દીની સ્વાસ્થ્ય સંબધીત તમામ માહિતી , વેક્સિન લિધેલી છે કે નહી, રીપોર્ટ સંબધીત બાબતો વગેરે ડેટા અપલોડ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલની સ્થિતિમાં દરેક કોવિડ લેબ પર વેઈટીંગ જોવા મળે છે. જેના કારણોસર યોગ્ય નિદાનની જાણ થતાં સમય લાગે છે. જેથી કરીને સમયાનુસાર સારવાર મળતી નથી અને સંક્રમણનો ભય પણ રહે છે. જેટલું જલ્દી નિદાન થઈ શકે તેટલું ઝડપી સારવાર અને સંક્રમણને ફેલાતું રોકી શકાશે. જીટીયુ વર્તમાન પરિસ્થિતિમાં જાહેર જનતાને સત્વરે લાભ મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે.

(8:55 pm IST)