ગુજરાત
News of Friday, 16th April 2021

સુરતમાં કોરોનાની સંક્રમણ ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ બે દિવસના સ્વયંભૂ બંધ અપીલ

સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મિટિંગમાં નિર્ણય

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી. સભાની શરૂઆતમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાનો કહેર જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વેપારીઓમાં પણ સ્વૈચ્છિક રીતે વેપાર–ધંધા બંધ રાખવાનો ગણગણાટ શરૂ થયો છે. કેટલાક વેપારીઓ અવઢવમાં છે અને તેથી અસમંજસભરી પરિસ્થિતિ ઉભી થઇ છે. આમ, આ ચિંતાનું વાતાવરણ દૂર થાય અને સૌ સાથે મળીને જો એક જ નિર્ણય લે તો તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઇ શકે.

આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે.

આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. 30 એપ્રિલ 2021 સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. 30 એપ્રિલ 2021 પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવો. સાથે સાથે જનતા સ્વયં શિસ્તનો આ કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઈએ. ઉપસ્થિત તમામ એસોસીએશનો દ્વારા આ સ્વયંભૂ બંધ – જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ તકે ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કારીગરોની અને માલિકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને સામાજિક જવાબદારીના ભાગરૂપે બે દિવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવું જોઈએ તથા આ બે દિવસ દરમ્યાન કામદારો કારણ વગર બહાર નહીં નીકળે તે ઇચ્છનીય છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી જે તે કારખાનેદારની અને સ્થાનિક એસોસીએશનોની છે.

સભા સંચાલન કરતા સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજી ભાલાળાએ આ સ્વૈચ્છિક એલાનને સફળ બનાવવા માટે તમામ ઓફિસ ધારકોને પણ ખાસ વિનંતી કરી હતી. પોતાની ઓફિસના સ્ટાફને ઓફિસમાં નહીં બોલાવીને આ એલાનને સફળ બનાવવું એ સૌની નૈતિક ફરજ છે એવો સંદેશો ત્વરિત ગતિએ ફેલાવવો એ સમયની માંગ છે. મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ધરાવતા સંચાલકોએ સ્વયંભૂ રીતે જ આ અપીલને ધ્યાનમાં રાખીને આ બે દિવસ અમારા કોમ્પ્લેક્ષની તમામ ઓફિસો સ્વૈચ્છિક બંધ પાળશે તેવું એલાન કરવું જરૂરી બનશે.

ચર્ચાનું સમાપન કરતા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે માટે આપણે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા–રોજગાર બંધ રાખવા તે પૂરતું નથી પરંતુ આ બે દિવસ દરમ્યાન અત્યંત જરૂરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અન્યથા ઘરમાં જ રહેવું જોઈએ.

ચેમ્બરના માનદ્દ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 6:00 કલાકથી સોમવારે સવારના 6:00 કલાકનો સમય ગણીએ તો ફક્ત 48 કલાક પોતાના ઘરમાં રહેવાનું છે. આ રીતે સ્વયં શિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઈન તૂટશે.

(7:09 pm IST)