ગુજરાત
News of Friday, 16th April 2021

ગાંધીનગરના કલોલ તાલુકામાં 6 વર્ષીય બાળકીને શેરડીનો રસ પીવડાવવાની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર: જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા વડસરમાં રહેતા પરિવારની વર્ષની બાળકીને શેરડીનો રસ પીવડાવાના બહાને શખ્સ દ્વારા પંચાયત પાસેના જાહેર શૌચાલયમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમાજમાં દુષ્કૃત્યની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલ તાલુકાના વડસર ગામમાં પણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કૃત્યની ઘટના બનવા પામી છે. અહીં રહેતા પરીવારની બાળકી ગઈકાલે તેના ભાઈ બહેન સાથે રમી રહી હતી ત્યારે એક શખ્સ તેની પાસે આવ્યો હતો અને બાળકીને શેરડીનો રસ પીવડાવાની લાલચ આપીને પંચાયત પાછળના જાહેર શૌચાલયમાં લઈ ગયો હતો. જયાં બાળકીના કપડાં કાઢીને દુષ્કૃત્ય કરવા જતાં બાળકીએ બુમાબુમ કરતાં લોકો દોડી આવ્યા હતા અને શખ્સ ત્યાંથી નાસી છુટયો હતો. ત્યારબાદ પંચાયત આગળ ગામ લોકો એકઠા થયા હતા અને બાળકીની માતા પણ ત્યાં પહોંચી હતી. જેના પગલે સીસીટીવી ફુટેજ ચકાસતાં શખ્સ હસમુખજી ધનાજી ઠાકોર રહે.પાર્થ ફેકસીપેક કંપનીની ઓરડીમાં વડસર હોવાનું બહાર આવ્યું હતું. જેથી ગ્રામજનોએ તેની શોધખોળ કરીને તેને ઝડપી પાડયો હતો. ત્યારબાદ સાંતેજ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે બાળકીની માતાની ફરીયાદના આધારે આધેડ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

(5:28 pm IST)