ગુજરાત
News of Friday, 16th April 2021

સુરત:તરુણીને લગ્નની લાલચ આપી કામરેજના નરાધમે ભગાડી જઈ દુષ્કર્મ આચરતા ગુનો દાખલ

સુરત:શહેરમાં આજથી બે વર્ષ પહેલાં તરૃણીને લગ્નની લાલચ આપીને કામરેજના પાસોદરા ગામમાં ભગાડી લાવીને સગીર હોવાનું જાણવા છતાં એકથી વધુ વાર શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજારવાના કેસમાં સરથાણા પોલીસે જેલભેગા કરેલા આરોપી યુવકે ચાર્જશીટ બાદ જામીન માંગતા પોક્સો કેસોની ખાસ અદાલતે આરોપીના જામીન નકારી કાઢ્યા છે.

મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની તથા કામરેજ તાલુકાના પાસોદરા ખાતે ઓમ ટાઉનશીપમાં રહેતા આરોપી વર્ષાબેન કલ્પેશ મેટલીયા,લલીત ઉર્ફે લાલો મનજી ઈટાલીયા,જીગ્નેશ ઉર્ફે જીગો તથા વસંતબેન મનજી ઈટાલીયા વગેરેની સરથાણા પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં ભોગ બનનાર તરૃણીને આરોપી વર્ષાબેન મેટલીયાએ લલચાવી ફોસલાવીને તેના માતાપિતાની સંમતિ વિના આરોપી લલિત ઉર્ફે લાલો ઈટાલીયા સાથે લગ્નની લાલચ આપીને પોતાની સાથે લાવી હતી.ત્યારબાદ ભોગ બનનારને પાસોદરા ખાતે પોતાના આરોપી પિયરમાં મુકીને બે માસ સુધી ગેરકાયદે ગોંધી રાખી આરોપી લલિતે બળાત્કાર ગુજાર્યો હતો. કેસમાં જેલવાસ ભોગવતા મુખ્ય આરોપી લલિત ઈટાલીયાએ ચાર્જશીટ બાદ જામીન માંગતાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી લલિત ઈટાલીયાના જામીનની માંગને નકારી કાઢી હતી.

(5:26 pm IST)