ગુજરાત
News of Friday, 16th April 2021

વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારસંભાળ માટે ૫૦ લાખના ખર્ચે ખરીદેલ ૭ રોબોટોનો ૭ મહિનાથી ઉપયોગ જ નથીઃ ધુળ ખાય છે

વડોદરા: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે વડોદરાની સ્થિતિ પણ દિન-પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારસંભાળ માટે 50 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલા 7 રોબોટનો છેલ્લા 7 મહિનાથી કોઈ ઉપયોગ ના થતા હાલ ધૂળ ખાઈ રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત વર્ષે કોરોના મહામારીની શરૂઆત સમયે આજથી 8 મહિના પહેલા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા વડોદરાની બે હોસ્પિટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે 50 લાખ રૂપિયાના ખર્ચે 7 રોબોટ ખરીદવામાં આવ્યા હતા. જેમાંથી શહેરની સયાજી હોસ્પિટલમાં 3 અને ગોત્રી હોસ્પિટલમાં 4 રોબોટ કોવિડ વોર્ડમાં દર્દીઓની દેખરેખ માટે લાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલ સ્ટાફને સંક્રમણનું જોખમ ઓછું કરવા હેતુ તકેદારીના ભાગ રૂપે આ રોબટ ખરીદવામાં આવ્યા હતા. આ રોબોટ આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સ્ક્રિનિંગ ઉપરાંત ભોજન પીરસવાનું કામ કરતાં હતા.

ખાનગી કંપની દ્વારા CSR ફંડ હેઠળ આપવામાં આવેલા આ રોબોટ કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમની સાથે આવતા પરિવારજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આટલું જ નહીં, જે-તે સમયે કંપની દ્વારા વધુ રોબોટ મૂકવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે રોબોટ મૂક્યાના શરૂઆતના એકાદ મહિના સુધી તે કાર્યરત હતા, પરંતુ તે બાદ છેલ્લા 7 મહિનાથી તે બંધ હાલતમાં ધૂળ ખાતા પડી રહ્યાં છે.

જણાવી દઈએ કે, સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 457 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 66 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ વડોદરામાં કોરોના સંક્રમિતોનો આકંડો વધીને 34,526 પર પહોંચી ગયો છે.

(4:55 pm IST)