ગુજરાત
News of Friday, 16th April 2021

પંચમહાલની મોરવા હડફ બેઠક માટે કાલે મતદાનઃ ૩ તાલુકાના ૨.૧૯ મતદારો ૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશેઃ આરોગ્ય ટીમ પણ ફરજમાં રોકાશે

ગોધરા: પંચમહાલ જિલ્લાની મોરવા-હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલ 17 એપ્રિલના રોજ મતદાન યોજવા જઇ રહ્યું છે. આ બેઠક પર પેટા ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરઅમિત અરોરાના જણાવ્યા મુજબ, મોરવા-હડફ બેઠકની પેટા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે મોરવા સ્થિત સરકારી કોલેજથી મતદાન મથકો ખાતે મતદાન સ્ટાફ સહિત મતદાન સામગ્રી રવાના કરવામાં આવી છે. મતદારો સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.

આ બેઠક ઉપર ૧,૧૧,૨૮૬ પુરુષ, ૧,૦૭,૮૯૯ મહિલાઓ સહિત કુલ ૨,૧૯,૧૮૫ મતદારો નોંધાયા છે. જ્યારે, ૧૪૯ પુરુષ અને ૩ મહિલાઓ સહિત ૧૫૨ સેવા મતદારો નોંધાયેલા છે. સેવા મતદારોનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. મતદાન માટે ૩૨૯ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી ૭૫ મતદાન મથકો કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને વધારવામાં આવ્યા છે. આ માટે જરૂરી EVM તથા વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.

મતદાન પ્રક્રીયામાં ૧,૬૪૫ ચૂંટણીકર્મીઓ મતદાન મથક ઉપર ફરજ બજાવશે. મતદારો માટે છાંયડો, પાણી, સેનિટાઇઝેશન, હાથ મોજા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો ઉપર આરોગ્યકર્મી પણ ફરજ બજાવશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ બેઠક ઉપર ૯૦૦થી ૧૦૦૦ સુધી મતદારો ધરાવતા ૪૧ મતદાન મથકો, ૮૦૧થી ૯૦૦ મતદારો ધરાવતા ૩૮, ૭૦૧થી ૮૦૦ મતદારો ધરાવતા ૩૩, ૬૦૧થી ૭૦૦ મતદારો ધરાવતા ૫૮, ૫૦૧થી ૬૦૦ મતદારો ધરાવતા ૧૪૬, ૪૦૧થી ૫૦૦ મતદારો ધરાવતા ૯ મતદાન મથકો, ૩૦૧થી ૪૦૦ મતદારો ધરાવતા ૨ અને ૨૦૧થી ૩૦૦ મતદારો ધરાવતા ૨ મતદાન મથકોનો સમાવેશ થાય છે.

મોરવા હડફ બેઠક ઉપર ૨૦૧૭ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ૬૨.૨૨ ટકા, જ્યારે ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૬૦.૬૯ ટકા મતદાન થયું હતું.

(4:54 pm IST)