ગુજરાત
News of Friday, 16th April 2021

‘સોચના ક્યા જા ભ. હોગા દેખા જાયેગા...’ ગીતનું ગાયન કરીને વડોદરાની પારૂલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા દર્દીઓનો તનાવ ઓછો કરવા પ્રયાસ

વડોદરા: દેશભરમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, પરંતુ કોરોના સામે લડવા માટે સૌથી વધુ જો કોઈ વસ્તુ જરૂરી હોય તો તે છે દર્દીની મજબૂત ઈચ્છા શક્તિ. આમ તો સંગીત મનોરંજનનું સાધન છે, પરંતુ આ સાથે જ તે આપણા માનસિક સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવામાં અને તનાવ ઓછો કરવામાં અસરકારક માનવામાં આવી રહ્યો છે. કોરોનાના આવા કપરા સમયમાં જ્યારે કોરોનાએ અનેક પરિવારોનો માળો પીંખી નાંખ્યો છે, ત્યારે વડોદરાની પારુલ યુનિવર્સિટી સ્થિત પારૂલ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરામાં કોરોનાના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એક તરફ કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યાં છે, તો બીજી તરફ સારવાર દરમિયાન આજુબાજુ લાશો જોઈને પણ કેટલાક લોકો મરી રહ્યાં છે. આવી સ્થિતિમાં દર્દીનો ડર દૂર કરવા અને તેમનો આત્મવિશ્વાસ વધવા સાથે તેઓ જલ્દી સ્વસ્થ થઈને ઘરે જાય તે માટે પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પારુલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારવાર લઈ રહેલા સંક્રમિત દર્દીઓને મનોરંજન પૂરૂ પાડીને તેમનો તનાવ ઓછો કરવા માટે ગીતો સાથે ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો વીડિયો પણ યુ-ટ્યૂબ પર લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

આ વીડિયોમાં હોસ્પિટલનો સ્ટાફ પીપીઈ કિટ પહેરીનો કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ વચ્ચે સંગીતના તાલે પર ફિલ્મી ગીત પર કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોરંજન કરી રહ્યાં છે. હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ હિન્દી ફિલ્મના સુપરહીટ સોંગ “સોચના ક્યાં જો ભી હોગા દેખા જાયેગા”ના તાલે ઝૂમી રહ્યાં છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોવિડ વોર્ડમાં દાખલ યુવાથી લઈને વયસ્ત તમામ દર્દીઓ હોસ્પિટલ સ્ટાફ સાથે ફિલ્મી ગીત પર ગરબા રમીને પોતાનો દર્દ ભૂલી રહ્યાં છે.

(4:51 pm IST)