ગુજરાત
News of Friday, 16th April 2021

કાલે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જામનગર અને ભૂજ- કચ્છમાં કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

નીતીનભાઇ પટેલ કોર કમીટીના સભ્યો ઉપસ્થિત રહેશે અને કોરોના મહામારી અંગે સમીક્ષા તથા માર્ગદર્શન આપશે

રાજકોટ, તા., ૧૬: મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે તા. ૧૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે જામનગર તેમજ બપોર બાદ ભૂજ- કચ્છ કલેકટર કચેરી ખાતે  ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે  મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી  માર્ગદર્શન અને નિર્ણયો  કરવાનું નક્કી  કરાયું છે, જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ અને પાટણ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.

(3:21 pm IST)