ગુજરાત
News of Friday, 16th April 2021

હોસ્પિટલમાં બેડ શોધવાની પળોજણમાં રસ્તામાં જ જીવ ગુમાવી રહ્યા છે લોકો

કોરોના દર્દીઓના પરિવારનું ટેન્શન વધી રહ્યું છેઃ શરુઆત એમ્બ્યુલન્સ કયારે મળશેથી લઈને હોસ્પિટલમાં બેડ મળશે કે નહીં: ઓકિસજન મળશે કે નહીં અને બધુ મળી જાય તો દાખલ થયા પછી જરૂરી ઇન્જેકશન મળશે કે નહી

અમદાવાદ, તા.૧૬: 'મારા પરિવારમાં કોવિડ-૧૯ પોઝિટિવ દર્દી છે અને મને કઈ હોસ્પિટલમાં ઓકિસજન સપ્લાય સાથે બેડ મળશે' આ સવાલ ગુજરાતના નાના મોટા દરેક શહેરોમાં કોરોના દર્દીના પરિવારને સતત પરેશાન કરી રહ્યો છે. તેમજ મોટા શહેરોમાં સતત કોરોના દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સના અવાજોથી લોકો માનસિક રીતે હારી અને તૂટી રહ્યા છે. ગુરુવારે ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૫૦૦૦નો સ્તર વટાવી ચૂકયો છે. તેવામાં હોસ્પિટલમાં જગ્યા મેળવવા માટેની આ મહેનત દિવસે અને દિવસે વધુ આકરી બની રહી છે. જેમાં એક પછી એક હોસ્પિટલમાં સતત ફોન કરવા, ૧૦૮ અને ૧૦૪ જેવી હેલ્પલાઈન નંબર પર સતત ફોન કરવા અને પછી દરેક જગ્યાએ એક જ જવાબ આવવો કે બેડ અત્યારે ખાલી નથી. આ વચ્ચે વડોદરા અને પાલનપુરથી એવા પણ સમાચાર આવ્યા છે કે એક સીનિયર સિટિઝન સહિત બે વ્યકિતઓ કોરોના હોસ્પિટલમાં બેડમાંથી એકથી બીજી હોસ્પિટલ વચ્ચે ધક્કા ખાવામાં રહ્યા અને બેડના અભાવે એમ્બ્યુલન્સમાં જ મૃત્યુ પામ્યા હતા.

૧૦૮ EMRI સાથે કોર્ડિનેટ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારી દ્વારા જણાવ્યા મુજબ ઇમર્જન્સી સર્વિસને આવતા કોલમાં રિજેકશન રેટ ૭૨ ટકા જેટલો ઉપર પહોંચી ગયો છે. જયારે EMRI ૧૦૮ના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આ સર્વિસ શરું થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે અમારા ફોન કરનારને પૂછવું પડે છે કે શું દર્દીને દાખલ કરવા માટે તેમણે હોસ્પિટલમાં બેડ મેળવી લીધો છે કે નહીં. તેમજ બે ઇમર્જન્સી કેસ હેન્ડલ કરવા માટે એક એમ્બ્યુલન્સનો કોલ ટાઇમ પણ એકથી દોઢ કલાકનો થઈ ગયો છે. કારણે દ્યણા કિસ્સામાં હોસ્પિટલમાં બેડ હોતા નથી અને એમ્બ્યુલન્સ દર્દીને લઈને આમથી તેમ જવામાં બીજા કોલને અટેન્ડ કરવામાં મોડું થતું જાય છે.

આવા કેસમાં અમારી પાસે એક જ ઓપ્શન બાકી રહે છે કે અમે દર્દીને સિવિલ હોસ્પિટલ અથવા સરકારી દ્વારા શરુ કરવામાં આવેલી કોવિડ ફેસેલિટી સુધી પહોંચાડી દઈએ. કોર્પોરેશનના અધિકારીએ પણ કહ્યું કે, 'એ સાચી વાત છે કે હાલ ઇમર્જન્સી સર્વિસ માટે રિજેકશન રેટ વધીને ૬૦ થી ૭૨ ટકા જેટલો થઈ ગયો છે. તેનું કારણ એ છે કે મધ્યમ કદની પ્રાઈવેટ હોસ્પિટલો ઓકિસજન સિલિન્ડર અને વેન્ટિલેટર ફેસેલિટી વધારી શકતી નથી.'

અધિકારીએ કહ્યું કે અમને ફરિયાદ મળી છે કે આવી નાની હોસ્પિટલોના ગેટ પર જ દર્દીનું ઓકિસજન લેવલ ચેક કરવામાં આવે છે. જો કે ૯૦ના નીચે હોય તો તેમને તરત જ બીજી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવે છે. હવે શહેરમાં હોસ્પિટલોની વાત કરતા અધિકારીએ કહ્યું કે, '૯૮૫ હોસ્પિટલોમાંથી ૯૪૭ હોસ્પિટલ તો મધ્યમ કદની છે. જેમાં ૪૦ કે તેનાથી ઓછા બેડની કેપેસિટી છે. જેથી આવી હોસ્પિટલોની ટોટલ બેડ કેપેસિટી ૯૨૪૫ છે. હવે તેમાં દરેક નવા કોરોના દર્દીના એડમિશન સાથે ૫૦ ટકા કેસ એવા હોય છે જેમાં પહેલા દિવસથી જ ઓકિસજનની જરુરિયાત પડે છે.'

સામાન્ય દિવસોમાં ૩૦ બેડની હોસ્પિટલમાં ૬-૮ આઈસીયુ બેડ માટે ૯-૧૦ ઓકિસજન સિલિન્ડરની જરુરિયાત રહે છે. હવે કોરોનાને ધ્યાને લઈને આવી અનેક નાની હોસ્પિટલ્સ પણ કોવિડ કેર સેન્ટર તરીકે જોડાઈ હોય ઓકિસજન સિલિન્ડરની માગમાં વધારો થયો છે.

(3:20 pm IST)