ગુજરાત
News of Tuesday, 16th April 2019

કલોલમાં બે ગઠિયાએ વૃદ્ધ મહિલાને પૈસા આપવાની લાલચ આપી રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવી

કલોલ:શહેરમાં એસ.ટી. ડેપો પાસે બે ગઠીયા એક વૃદ્ધ મહિલાને નોટોનું બંડલ બતાવી તે પૈસા આપવાની લાલચ આપી વૃદ્ધાને રીક્ષામાં બેસાડી હાઇવે રોડ પર લઇ ગયા હતા અને ત્યાં વૃધ્ધાના દાગીના ઉતરાવી લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

કલોલના પૂર્વ વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય પ્રેમિલાબેન સુરેશભાઇ સિર્સાળે ૮ એપ્રિલની સવારે એસ.ટી.ડેપોમાંથી પસાર થતા હતા તે વખતે ત્યાં બે ગઠીયાઓ આવ્યા હતા અને વડોદરાની બસ ક્યાંથી ઉપડશે તેમ કહી નોટોનું બન્ડલ બતાવી લાલચ આપી રીક્ષામાં બેસાડી કલોલના હાઇવે રોડ પર લઇ ગયા હતા અને નોટોનું બંડલ આપવાની લાલચ આપી વૃદ્ધાના ૫૧૦૦૦ની કિંમતના દાગીના ઉતરાવી લીધા હતા અને ત્યારબાદ ફરાર થઇ ગયા હતા. ત્યારે વૃદ્ધાને છેતરાયાનો અહેસાસ થતાં તેમણે કલોલ શહેર પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાવતા પોલીસે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાની તપાસ પીએસઆઇ એમ.બી. ચૌધરી ચલાવી રહ્યા છે. 

(6:13 pm IST)