ગુજરાત
News of Tuesday, 16th April 2019

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પણ પ્રચારમાં નેતાઓનો વાણી વિલાસ ચર્ચાનું કેન્‍દ્ર

અમદાવાદ :સોમવારે ચૂંટણી પંચે વાણીવિલાસ કરતા નેતાઓ પર મોટી કાર્યવાહી કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, બસપા પ્રમુખ માયાવતી, સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી વિરુદ્ધ કડક ટીપ્પણી કરતા તેમના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે ગુજરાતના પ્રચારમાં પણ નેતાઓનો બેફામ વાણીવિલાસ દેખાઈ રહ્યો છે. રાજકીય નેતાઓ હંમેશા વાણીવિલાસ માટે જાણીતા, ચૂંટણીમાં આ વિલાસ પૂરજોશમાં ચાલે છે. નેતાઓ જનતાની વચ્ચે વોટ માંગવા જાય ત્યારે બધી જ મર્યાદા ભૂલી જતા હોય છે. ગુજરાતમાં પણ મોટાભાગના જે નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, જે ભાજપના નેતાઓ જ વધુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીથી લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મધુ શ્રીવાસ્તવ બાદ હવે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

ફતેપરાના ધારાસભ્ય રમેશ કટારા

ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાનો ‘ભાજપને મત નહીં નાખો તો કોઈપણ સરકારી લાભ નહીં મળે’ તેવું સભાને સંબોધતો એક વીડિયો વાઈરલ થયો છે. તેમણે મતદારોને સભામાં કહ્યું કે, જો ભાજપને મત નહિ નાખો તો મોદી કામ ઓછું આપશે. ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહિ નાંખે. મોદી કેમેરામાં બેઠો બેઠો બધુ ભાલે છે કે, કયા બૂથમાં કેટલા મત ભાજપને અને કેટલા કોંગ્રેસને પડ્યા. જો તમે ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થાશે.

જીતુ વાઘાણી

સુરતમા 7મી  એપ્રિલના રોજ અમરોલી ખાતે સુરત લોકસભાના ઉમેદવાર દર્શનાબેન જરદોશના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જીતુ વાઘાણીનો વાણી વિલાસ સામે આવ્યો હતો. તેઓએ કોગ્રેસને હરામજાદા કહ્યુ હતુ. જે નિવેદનને લઇને કોગ્રેંસ અકળાયુ હતુ. જોકે, જીતુ વાઘાણીને ચૂંટણી પંચ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હતી.

મધુ શ્રીવાસ્તવ

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 3 એપ્રિલના રોજ વાઘોડિયામાં જનસભા સંબોધતા સમયે મતદારોને ધમકી આપતા કહ્યું કે, દરેક બુથમાં કમળ ખીલવુ જોઈએ નહી તો ઠેકાણે પાડી દઈશ. આ નિવેદનને લઈ વડોદરાના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા વીડિયો મામલે ગુજરાત ચૂંટણી પંચે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો હતો.

કુંવરજી બાવળીયા

કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે વોટ માંગવા જસદણના કનેસરા ગામે ગયા હતા. ત્યારે ગામના લોકોએ પાણી મામલે બંને નેતાઓનો ઉઘડો લીધો હતો. કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને 45થી 55 ટકા જ મત આપ્યા હતા. ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા. હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે સમજતા નથી. આખા રાજ્યમાંથી લોકો બાવળિયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે. તમે સમજો.

અર્જુન મોઢવાડિયા

ડીસાની કોંગ્રેસની સભામાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયાએ મોદીના અંધ ભક્તોની ઠેકડી ઉડાડી હતી. તેમણે કહ્યુ હતું કે, નરેન્દ્ર મોદી જ્યારે 56 ઇંચની છાતીની વાત કરે છે ત્યારે ભક્ત તાળીઓ પાડે છે. પરંતુ 56 ઇંચની છાતી ગધેડાની હોય છે જ્યારે 100 ઇંચની છાતી પાડાની હોય છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર ભાજપ જ નહિ, કોંગ્રેસના નેતાઓ પણ વાણીવિલાસ કરતા જોવા મળ્યા છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાઢિયા સામે પણ આ અંગે ફરિયાદ દાખલ થઈ હતી. તેમ છતાં તેમણે કહ્યું હતું કે, હું તો બોલતો જ રહીશ. નેતાઓ પોતાના નિવેદનોમાં ખુલ્લેઆમ મતદારોને ધમકી આપી રહ્યા છે, તેમ છતાં તેમની સામે કોઈ પગલા લેવાઈ નથી રહ્યા. રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પર તો પગલા લેવાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાતના આ નેતાઓ સામે ક્યારે પગલા લેવાય તેના પર લોકોની નજર હોય છે. તો બીજી તરફ, આ નેતાઓના નિવેદન તેમનું અંગત નહિ, પણ પાર્ટીનુ ગણાય છે. પરંતુ જ્યારે પાર્ટીને પૂછવામાં આવે ત્યારે પાર્ટી કહે છે કે, આ તો નેતાનું અંગત નિવેદન છે. પક્ષને પણ આ પ્રકારના નિવેદનથી નુકશાન થાય છે, તેથી પક્ષ જે-તે નેતા પર ઢોળી દે છે.

વાણીવિલાસ મામલે મુખ્યમંત્રીએ શું કહ્યું...

તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ નેતાઓને જાતે સંયમ રાખવાની સલાહ આપી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વાર કરવામાં આવેલા વાણી વિલાસ મામલો સામે આવ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.

(5:46 pm IST)