ગુજરાત
News of Tuesday, 16th April 2019

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના રિઝલ્ટ મે મહિનામાં

ધો. ૧૦ અને ધો.૧૨ના રાજય પરીક્ષા બોર્ડના વિદ્યાર્થીઓના પેપર તપાસવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે

અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી એન્ડ હાઇર સેકન્ડરી એજયુકેશન બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ મે મહિનાના બીજા સપ્તાહમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ શકે છે. બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે ધો. ૧૦ અને ધો.૧૨ના રાજય પરીક્ષા બોર્ડના વિદ્યાર્થીઓના પેપર તપાસવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. પેપર તપાસવાની કાર્યવાહી ખૂબ જ ચૂસ્ત CCTV સર્વેલન્સમાં કરવામાં આવી છે.

બોર્ડના સૂત્રોએ કહ્યું કે આ વખતે પેપર તપાસવાની કાર્યવાહી જલ્દી પૂરી કરી લેવામાં આવી છે કેમ કે ત્યારબાદ દ્યણા શિક્ષકોને ચૂંટણી ફરજ સોંપવામાં આવી શકે છે. જયારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી ૨૩ એપ્રિલના રોજ યોજાશે. તેમજ ૨૬ એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ(GujCET)નું પરિણામ પણ ધો.૧૨ સાયન્સ પ્રવાહના પરિણામ સાથે જાહેર થશે.

જો બધુ જ યોગ્ય રીતે પાર પડશે તો ધો.૧૨ના સામાન્ય પ્રવાહનું પરિણામ પણ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે જયારે ધો.૧૦માં વિદ્યાર્થીઈઓનું પરિણામ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.

ધો. ૧૦માં અંદાજે ૧૦.૫ લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા આપી હતી. જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૫ લાખ વિદ્યાર્થીઓ અને ધો. ૧૨ સાયન્સ પ્રવાહમાં ૧.૨૮ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે આ તમામ વિદ્યાર્થીઓના પેપર તપાસવા માટે GSHSEB દ્વારા ૮૦૦૦ શિક્ષકો ધો. ૧૨ સાયન્સ પ્રવાહ માટે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૧૭૦૦૦ અને ધો.૧૦ના પેપર તપાસવા માટે ૨૩૦૦૦ શિક્ષકોને ફરજ સોંપવામાં આવી હતી.

(3:44 pm IST)